સંસદનું ચોમાસુ સત્ર પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કેટલું મહત્વનું રહ્યું?

સંસદનું ચોમાસુ સત્ર સૌથી લાંબું હોય છે. ચોમાસાથી શરૂ થતું સત્ર લગભગ શિયાળા સુધી લંબાતું હોય છે. આમ જોવા જોઇએ તો ખેતીપ્રધાન દેશ ભારત માટે ખેતીની સિઝનમાં ચાલતા સત્રનું ઘણું મહત્ત્વ હોય છે. સારો વરસાદ આવે તો તેની અસર સરકાર અને વિરોધ પક્ષોના મૂડ પર પણ પડે છે. રાજકીય પક્ષો ક્યારેક રાજકારણ બાજુ પર મૂકીને ખરેખર હકારાત્મક કહી શકાય તેવી ચર્ચાઓ કરતા હોય છે.

વર્તમાન ર૦૧૮નું ચોમાસુ સત્ર અનોખું રહેવાની સંભાવના હતી. ગત બજેટસત્રમાં બજેટ પાસ કરવા સિવાય ખાસ કોઇ મહત્ત્વના કે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઇ શકી ન હતી. થોડી ગરમાગરમી વચ્ચે તેલુગુ દેશમ પાર્ટીએ સત્તાધારી ભાજપ સાથે છેડો ફાડ્યો તે ઘટના નોંધપાત્ર રહી તો દક્ષિણનાં રાજ્યએ પણ ૧પમા નાણાં આયોગ સામે પોતાનો રોષ ઠાલવ્યો.વિવિધ રાજ્યમાં સત્તા પર રહેલા પ્રાદેશિક પક્ષોએ પોતપોતાના રાજ્ય માટે વધુ સહાયની માગણીઓના મુદ્દે સંસદમાં રજૂઆત કરી. દરમિયાન વચ્ચે કર્ણાટકની ચૂંટણી પણ યોજાઇ ગઇ.

એકંદરે સત્રમાં રાજકીય ખેંચતાણ, રાજકીય આક્ષેપોની ગરમાગરમી રહી. આગામી ડિસેમ્બરમાં ચાર રાજ્યની ચૂંટણી યોજાવાની છે તેમાંથી ત્રણ રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે. આ ચૂંટણીનાં પરિણામો લોકસભાની ચૂંટણી પર પણ ઘણી મોટી અસર પાડે તેમ છે. તે સંજાેગોમાં આશંકા એવી હતી કે ચોમાસુ સત્ર પણ રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ધોવાઇ જશે.

થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢ અને મીરજાપુરમાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો અને ખેડૂતોની અવદશા માટે અગાઉની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી. વડા પ્રધાને ડ્રીપ ઇરિગેશન અને સિંચાઇની અધૂરી રહેલી યોજનાઓનો દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળ્યો.

તેમણે કહ્યું કે તેઓ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ આ યોજનાઓ પૂરી થઇ શકે તેમ નથી, કેમ કે વિપક્ષો સરકારના કામમાં સતત રોડાં નાખે છે અને કામ કરવા દેતા નથી. બીજી બાજુ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને વેસ્ટ બંગાળમાંથી કેન્દ્ર સરકાર સામે વિરોધના સૂર ઊઠી રહ્યા છે. આ વિપક્ષી દળો સંસદમાં પણ કેન્દ્ર સામે અવિશ્વાસ જાહેર કરી શકે છે. એકંદરે બંને બાજુ આક્ષેપ-પ્રતિઆક્ષેપનાે દોર ચાલુ રહ્યાે હતાે.

જોકે સવાલ એ પણ છે કે બજેટમાં કરાયેલા વાયદાઓ તથા આયુષ્માન ભારત જેવી યોજનાઓનું શું થશે, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારા પર ઠોસ ચર્ચા થશે કે નહીં? આ બધી બાબતો ગરીબ અને સામાન્ય વર્ગના લોકો સાથે સીધી જોડાયેલી છે. બીજી બાજુ જો ચોમાસું સારું નહીં જાય તો ખેતી પરનું સંકટ વધુ ગંભીર બનશે.

ખેડૂતોના વાજબી પ્રશ્નો પર જોકે ગંભીર ચર્ચા થઇ રહી નથી. વિપક્ષની પણ એ જવાબદારી છે કે સંસદમાં આવા મુદ્દાઓની ચર્ચા વધુ સમય અને ગંભીરતાથી થાય. રાજકીય આક્ષેપો વિનાની ઠોસ ચર્ચા સરકાર પર દબાણ ઊભું કરે છે.

સરકારની ટીકા પણ કરવી હોય તો તે સંસદમાં કરવી જોઇએ. અત્યારે ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં સંસદ કરતાં વધુ ચર્ચા આ બધા મુદ્દાઓ પર થાય છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓ માટે સોશિયલ મીડિયા પણ હવે રાજકીય અખાડો બની ગયું છે. અહીં તો ન કાળઝાળ ગરમી પડે છે ન તો દુષ્કાળનો ભય. લોકશાહીમાં સંસદ ચર્ચા અને વિચારો રજૂ કરવા માટેનું અતિમહત્ત્વનું સ્થળ છે.

સોશિયલ મી‌િડયા કે અન્ય માધ્યમનો વ્યાપ ગમે તેટલો વધે પણ સંસદના મહત્ત્વને અવગણી શકાય છે. ત્યારે સંસદીય પ્રધાન અને સંસદીય કાર્ય સમિતિની એ જવાબદારી બને છે કે સર્વપક્ષીય બેઠક બોલાવીને વિપક્ષોનાં શંકા અને મતભેદ દૂર કરવા જોઇએ તેમજ સંસદમાં હકારાત્મક ચર્ચા થઇ શકે તે માટે વિપક્ષોને વિશ્વાસમાં લઇને એજન્ડા બનાવવો જોઇએ.સમાજના તમામ વર્ગના લોકો તેમના સંસદસભ્યને ચૂંટીને સંસદમાં મોકલે છે, તેમને એવો ભરોસો હોય છે કે સંસદસભ્ય તેમની સમસ્યાને વાચા આપીને ઉકેલવાનો પ્રયાસ કરશે.

વિડંબના એ છે કે સંસદસભ્યો પણ રાજકીય આક્ષેપબાજીમાં પડી જાય છે. રાજકારણમાં સ્પર્ધા હોય તે સ્વાભાવિક છે પણ સંસદની એક ગ‌િરમા જળવાઇ રહેવી જોઇએ અને તેની પ્રથમ જવાબદારી લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની છે. તેની સાથે સરકાર અને વિરોધ પક્ષના નેતાઓની પણ એટલી જ જવાબદારી છે.

You might also like