વરસાદમાં કેવો મેકઅપ કરવો?

ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વરસાદની મજા લેવાની સાથે યુવાનો અને યુવતીઓ માટે મેકઅપ કરવા અને કર્યા બાદ ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને કૉલેજગર્લ્સ તેમજ વર્કિંગવુમન માટે આ સમસ્યા સર્જાય છે. ભેજવાળા વાતાવરણને લીધે પરસેવો થવાથી મેકઅપ ટકાવી રાખવાનું મુશ્કેલ બને છે. ચોમાસામાં કરવાના મેકઅપ અંગે ટિપ્સ આપતાં મેકઅપ આર્ટિસ્ટ અંજલિ ચાવડા કહે છે કે, “મેકઅપ કરતાં પહેલાં કેટલીક ચોક્કસ પ્રકારની કાળજી રાખો તો મેકઅપ લાંબો સમય ટકાવી રાખી શકાય છે.”

મેકઅપ કરતી વખતે આટલું ધ્યાનમાં રાખો

મેકઅપ કરતા પહેલાં ચહેરો સારા ફેશવોશથી ધોઈ લો અને બાદમાં માઈલ્ડ સ્ક્રબ કરી દો. અથવા ક્લીન્ઝિંગ મિલ્કથી ચહેરો સાફ કરો. બાદમાં એક ચોખ્ખો રૂમાલ લઈ તેમાં બરફનો ટુકડો રાખી તેને ચહેરા પર ધીમેધીમે ઘસો. સમગ્ર ચહેરા પર આ પ્રકારે બરફ ઘસવાથી ચહેરાની સ્કિન ટાઈટ થશે અને તેનાથી મેકઅપ વધુ સમય સુધી ટકી રહેશે. બરફ ઘસ્યા બાદ ઓઈલી ન હોય તેવું માઈલ્ડ મોઇશ્ચરાઈઝર ચહેરા પર લગાવો. સ્કિનટૉનને મેચ થતું હોય તેવું ફાઉન્ડેશન હલકા હાથે લગાવો. રૂટિન મેકઅપ કરતા હોવાથી હેવી લુકની જરૂર હોતી નથી.

ફાઉન્ડેશન લગાવ્યા બાદ સ્કિનટૉનને મેચ થાય તે મુજબનો કોમ્પેક્ટ કે ટ્રાન્સલુઝન પાઉડર લગાવો. જો હેવી મેકઅપ કરવો હોય તો કન્સીલરનો ઉપયોગ ટ્રાન્સલુઝન પાઉડર પહેલાં કરવો. બાદમાં આઈબ્રો સેટ કરો. આઈબ્રો પર બ્લેક કે બ્રાઉન આઈબ્રો પેન્સિલથી આઈબ્રો સેટ કર્યા બાદ આઈશેડો લગાવો. હાલ ન્યૂડ આઈશેડ અને સ્મોકી લુકનો ટ્રેન્ડ વધુ ચાલે છે. ટ્રેન્ડ મુજબ લાઈટ બ્રાઉન, લાઈટ પિન્ક જેવા આઈશેડો વાપરી શકો છો. બાદમાં સિમ્પલ આાઈલાઈનર અને મસ્કારા લગાવો.

હવે ચહેરાના મુખ્ય ભાગ હોઠને સંવારવાનો વારો છે. મેકઅપ રૂટિન અને લાઈટ હોવાથી તમારા સ્કિનટોન તેમજ કપડાંના કલર સાથે સુટ થાય તેવો લિપસ્ટિકનો કલર પસંદ કરો. તમારાં કપડાંના કલરથી ડાર્ક હોય તેવો રંગ પસંદ કરો. લાઈટ અને ન્યૂડ શેડ પણ પસંદ કરી શકો છો.

જો તમે પંજાબી ડ્રેસ પહેર્યો હોય તો નાની સિમ્પલ બિંદી લગાવી દો. તમારો ચહેરો ખીલી ઊઠશે. મેકઅપ બાદ હેરસ્ટાઈલની વાત ન કરીએ તો મેકઅપ અધૂરો જ ગણાય. રૂટિનમાં પફ હેરસ્ટાઈલ તો કૉમન છે જ. તેમાં પણ બંને બાજુ ટ્વીસ્ટ વાળી શકો છો. બંને બાજુ લટોને કર્લ્સ કરી શકો છો.

સોનલ અનડકટ

You might also like