હાઉસિંગ બોર્ડનાં જર્જરિત મકાન અંગે ફરિયાદ મળશે તો મ્યુનિ. તંત્ર પગલાં લેશે

અમદાવાદ: ગુજરાત હાઉસિંગ મકાનોમાં જ્યાં જગ્યા મળે ત્યાં ગેરકાયદે બાંધકામ કરી લેવાની પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આની સાથે સાથે વર્ષો જૂનાં અનેક મકાન જર્જરિત હાલતમાં આવ્યાં હોઇ રહેવાસીઓ ફફડતા જીવે વસવાટ કરી રહ્યા છે. જો કે ગઇકાલની શાસ્ત્રીનગરની એકતા ફલેટની ગમખ્વાર દુર્ધટના બાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ હાઉસિંગ બોર્ડનાં જર્જરિત મકાન અંગે સ્થાનિક નાગરિક તરફથી ફરિયાદ મળશે તો જે તે સોસાયટીના ચેરમેનને નોટિસ ફટકારવા સહિતનાં કડક પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

ગઇ કાલે સવારે શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ૧૩ર ફુટ રિંગ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડનાં ૩૦ વર્ષ જૂના એકતા ફલેટના મકાનો પૈકી ત્રીસ નંબરના બ્લોકના ધાબા પર આવેલી ઓવરહેડ ટાંકી અચાનક બોમ્બની જેમ ધડાકા સાથે ધરાશાયી થઇ હતી. આ વિચિત્ર દુર્ઘટનામાં પહેલા માળે આવેલા મકાન નંબર ર૮પમાં રહેતા ૬ર વર્ષીય વિનોદભાઇ વ્યાસનું સ્થળ પર જ જયારે અન્ય ઇજાગ્રસ્ત ૧૭ વર્ષીય આકાંક્ષા ખત્રીનું સારવાર દરમ્યાન સિવિલ હો‌સ્પિટલમાં મોત નીપજ્યું હતું.

શહેરભરમાં એકતા ફલેટની દુર્ઘટનાથી ભારે ચકચાર મચી ગઇ હતી. ઓવરહેડ ટાંકી તૂટી પડવાથી ત્રણ માળના રહીશોની ઘરવખરીને ભારે નુકસાન પહોચ્યું હતું. આ ફલેટનું મેન્ટેનન્સ સમયસર થતું ન હોઇ આ ફલેટ જર્જરિત હાલતમાં હતા. હાલમાં તો ફલેટ રહેવાને લાયક ન હોઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફલેટને ખાલી કરાવી તમામ માળને બેરિકેડિંગ કરીને સુરક્ષિત કરી દેવાયા છે.

પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર નીલેશ બરંડા વધુમાં કહે છે, આ ફલેટના અન્ય જોખમી ભાગને જમીનદોસ્ત કરી દેવાયો છે. જ્યારે એકતા ફલેટના ચેરમેનને આગામી સોમવારે તંત્ર દ્વારા નોટિસ ફટકારાશે.

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ સમગ્ર દુર્ઘટનાને ભારે ગંભીરતાથી લેતાં કહે છે, હવે પછી હાઉસિંગ બોર્ડનાં જર્જરિત મકાન અંગે સ્થાનિક રહીશ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ ફરિયાદ કરાશે તેની સાથે જ તંત્ર જે તે ફલેટના ચેરમેનને સ્થળ તપાસ કરી નોટિસ ફટકારવા સહિતના તમામ પ્રકારનાં કડક પગલાં લેતાં અચકાશે નહીં.

You might also like