વાળની સુંદરતા માટે ઘરગથ્થુ ઉપચાર

વાળની સુંદરતા જાળવવા કાળજી લેવાય તો ડ્રાય હેર અને ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. વાળની તંદુરસ્તી માટે તમારે મોંઘા બ્યુટીપાર્લરમાં જઈને ટ્રીટમેન્ટ લેવાની જરૃર નથી. ઘેરબેઠા નુસખા અજમાવી શકો છો. આ અંગે ટિપ્સ આપતાં પ્રિયંકા બ્યુટીપાર્લરનાં પ્રિયંકા મોદી જણાવે છે કે, “ચોમાસામાં ભેજવાળા વાતાવરણથી વાળ ચીકણા અને નિસ્તેજ બને છે, ઉપરાંત આ સિઝનમાં પરસેવાને કારણે વાળ તૂટવાની સમસ્યામાં વધે છે.” આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય…

ટી ટ્રી ઓઈલ
વાળની પોષકતા અને સુંદરતા માટે અઠવાડિયામાં બેથી ત્રણ વખત ટી ટ્રી ઓઈલથી મસાજ કરવું જોઈએ. આંગળીઓનાં ટેરવાંથી ટી ટ્રી ઓઈલને વાળનાં મૂળમાં લગાવો. આ તેલના એન્ટિ ફંગલ અને એન્ટિ બેક્ટેરિયલ ગુણ સ્કૅલ્પને ડ્રાયનેસથી બચાવવાની સાથે સૂકી ત્વચાને કારણે આવતી ખંજવાળથી મુક્તિ અપાવશે અને વાળને પોષણ પણ આપશે.

હેરપેક
હેરપેક લગાવવાથી વાળને શુષ્ક હવાની અસરથી બચાવી શકાય છે. એવાકાડોમાં બે ચમચી મેયોનીઝ અને ઈંડાનો પીળો ભાગ ઉમેરો. આ પેસ્ટને તમારા વાળમાં માસ્કની જેમ લગાવો. એવાકાડોથી વાળને વિટામિન-એ અને ઈ મળશે અને તેનાથી વાળની ડ્રાયનેસ ઓછી થશે. ઈંડું વાળ માટે કુદરતી કન્ડિશનરનું કામ કરશે અને નરિશમેન્ટપણ કરશે. આ પેક લગાવ્યાના અડધા કલાક બાદ વાળને પાંચ મિનિટ માટે સ્ટીમ આપો. સ્ટીમથી વાળનાં છિદ્રો ખૂલી જશે અને પેકનું પોષણ અંદર સુધી જશે.

કન્ડિશનિંગ
રેશમી વાળ માટે શેમ્પૂ અને કન્ડિશરની સાથે વધારાનું કન્ડિશનર લગાવવું પણ જરૃરી છે. અડધો મગ પાણીથી ભરો અને તેમાં પા ચમચી સિરકો અને બિયર મિક્સ કરી વાળમાં શેમ્પૂ કર્યા બાદ લગાવો. તેનાથી વાળને મોઇશ્ચરાઈઝ મળવાની સાથે વાળની ચમક પણ વધશે.

પ્રોટીન
વાળ મુખ્યત્વે હાર્ડ પ્રોટીન એટલે કે કેરોટીનથી બને છે. તેની પૂર્તતા માટે તમારા આહારમાં દૂધ, દહીં, ફણગાવેલાં કઠોળ, લીલાં શાકભાજી, ઈંડાં, માછલી લો. વિટામિન-એથી વાળને પોષણ મળે છે. વિટામિન-એ નારંગી અને પીળા રંગના એ દરેક ફળ અને શાકભાજીમાં હોય છે. વિટામિન-સી આંબળાંમાંથી મળી રહેશે. વિટામિન-ઈ માટે બદામ, એવાકાડો વધુ લો.

શેમ્પૂ
શેમ્પૂ વાળના ટૅક્સચર મુજબ વાપરવું. ગુણવત્તાયુક્ત શેમ્પૂ વાપરવાનો આગ્રહ રાખો જેનાથી માથાની ત્વચા સારી રહે છે.

સ્ટીમિંગ
કન્ડિશનર અને સ્ટીમિંગ વાળ માટે જરૃરી છે. કન્ડિશનર લગાવ્યા બાદ ગરમ પાણીમાં ટૉવેલ બોળીને તેને માથામાં બે-ત્રણ મિનિટ લપેટી રાખો. વાળ સિલ્કી બનશે.

હેર સિરમ
સિરમ વાળની ગૂંચ ઓછી કરે છે ને વાળને એક પ્રકારનું કોટિંગ આપે છે જે સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો તેમજ અન્ય હાનિકારક તત્ત્વોથી વાળને રક્ષણ આપી વાળને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે.

મસાજ
માથાની ત્વચામાં રક્તસંચાર વધારવા અઠવાડિયે એક વાર હોટ ઓઈલ મસાજ કરો. મસાજ ખોડાની સમસ્યા દૂર કરવાની સાથે વાળને રેશમી અને મુલાયમ બનાવશે.
સોનલ અનડકટ

You might also like