ઘરમાં ઘૂસી યુવાનનું ગળુ કાપ્યું, બાજુમાં સૂતેલી પત્નીને ખબર પણ ના પડી!

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં રહેતા બેકાર યુવકનું ત્રણ અજાણ્યા શખ્સોએ મોડી રાત્રે ઘરમાં ઘૂસી પૈસાની લેતી દેતી મામલે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે યુવકની પત્નીને કંઈક અજુગતું લાગતાં પતિને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ન જાગતાં પત્નીઅે પતિ લોહીમાં લથબથ જોવા મળ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો તેની પત્ની જાગી ન હોત તો કદાચ યુવક મોતને પણ ભેટયો હોત. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વાડજ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વાડજ વિસ્તારમાં રહેતા ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ શહેરના વાડજ વિસ્તારમાં ગાંધીનગરના ટેકરા પાસે આવેલી વેરસી પટેલની ચાલીમાં મધુસૂદનભાઈ બોરીસા (ઉં.વ.૩પ) તેમનાં પત્ની, પુત્રી, માતા-પિતા અને મોટાભાઈ તથા ભાભી સાથે રહે છે. મધુસૂદનભાઈ હાલમાં કોઈ કામ કાજ કરતા નથી. બુધવારે મોડી રાત્રે તેમનાં માતા-પિતા અને મોટાભાઈ જમી પરવારી અને નીચેના માળે સૂઈ ગયા હતા. તેમનાં ભાભી સામાજિક કામ અર્થે બહારગામ ગયાં હતાં અને મધુસૂદનભાઈ તેમનાં પત્ની તેમજ પુત્રી સાથે ઉપરના માળે ઘરનો દરવાજો ખુલ્લો રાખી સૂતા હતા.

દરમ્યાનમાં મોડી રાત્રે ૧-૩૦ વાગ્યાના સુમારે તેમની પત્ની ઉષાબહેને મધુસૂદનભાઈને જગાડતાં તેઓ ઊઠ્યા ન હતા. જેથી ઘરની લાઈટ ચાલુ કરી જોતાં તેમના ગળામાંથી લોહી વહેતું હતું અને બોલી શકતા ન હતા.જેથી તેઓએ પરિવારજનોને જાણ કરી હતી અને સારવાર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉપરના માળનો દરવાજો રોડ પર પડતો હોવાથી મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી મધુસૂદનભાઈની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે વાડજ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ તપાસમાં રૂપિયાની લેતી દેતી મામલે ત્રણ શખ્સોએ બુધવારે મોડી રાત્રે મધુસૂદનભાઇ પોતાના પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા ત્યારે ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારનો ઘા ગળા પર ઝીંકી દીધો હતો. જેના કારણે મધુસૂદનભાઇ બેહોશ થઇ ગયા હતા. ઘટના બાદ ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. પોલીસને આશંકા છે કે આરોપીઓએ ઘરમાં ઘૂસી અચાનક જ મધુસૂદનભાઇનું મોઢું દબાવીને તીક્ષ્ણ હથિયારનો ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

સદ્દનસીબે મધુસૂદનભાઇની પત્ની જાગી જતાં તેઓને તાત્કાલિક સારવાર મળી જતાં તેમનો બચાવ થયો હતો. વાડજ પોલીસે આ મામલે ગાંધીનગર ટેકરા ખાતે રહેતા ત્રણ શખ્સોની અટકાયત કરી છે. પોલીસ પૂછપરછમાં મધુસૂદનભાઇએ થોડા દિવસ અગાઉ એક આરોપીને તેમનું બાઇક આપ્યું હતું. આ બાઇક દ્વારા આરોપીથી અકસ્માત થતાં બાઇકને નુકસાન થયું હતું. જેના પૈસા મધુસૂદનભાઇ આરોપી પાસે માગતા હતા. જેને લઇ આરોપીઓએ ભેગા થઇ મધુસૂદનભાઇની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે હાલ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like