ઘરમાં ઘૂસી સીએનાં માતાને ચપ્પુ બતાવી સોનાની ચેઈનની લૂંટ

અમદાવાદ: શહેરમાં હવે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને લૂંટી લેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં નવરંગપુરા વિસ્તારમાં નિર્મળાબહેન શાહ અને સરખેજમાં ચંદ્રિકાબહેન નાયકની થયેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ પોલીસ હજુ ઉકેલી નથી શકી કે શાહીબાગ વિસ્તારમાં વહેલી પરોઢે સીએ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ના ઘરમાં ઘૂસીને ચપ્પુની અણીએ વૃદ્ધ મહિલાના ગળામાંથી દોઢ તોલા સોનાની ચેઇન તોડીને આરોપી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઘરમાં ઘૂસેલા આરોપીને પકડવા માટે સીએએ તેનો પીછો કર્યો હતો જોકે સીએ ઘરનીના દીવાલ સાથે અથડાતાં તેમને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ ગિરધરનગર સોસાયટીમાં રહેતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શીતલભાઇ સુરેશભાઇ શાહનાં માતા હંસાબહેન ( ઉં.વ 73) શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કરેલા આરોપ પ્રમાણે 20મી નવેમ્બરના રોજ વહેલી પરોઢે 6 વાગ્યાની આસપાસ હંસાબહેન બાથરૂમ જવા માટે ઊભાં થયાં હતાં તે સમયે ઘરનો દરવાજો ખુલ્લો જોઇએ એક અજાણ્યો યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને હંસાબહેનને ચપ્પુ બતાવીને તેમના ગળા માંથી દોઢ તોલાની સોનાની ચેઇન
તોડી હતી.

આરોપીએ ચેઇન તોડતાંની સાથે જ હંસાબહેને બુમાબુમ કરી નાખી હતી. હંસાબહેનનો અવાજ સાંભળીને શીતલભાઇ અને તેમનાં પત્ની સારિકાબહેન ઊઠી ગયાં હતાં અને હંસાબહેન પાસે પહોંચી ગયાં હતાં. તે સમયે આરોપી ઘરમાં હોવાથી શીતલભાઇએ તેમનો પીછો કરવાની કોશિશ કરી હતી. જોકે આરોપી ફરાર થઇ ગયો હતો ત્યારે શીતલભાઇ દીવાલ સાથે અથડાતાં તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.ઘટનાની જાણ પડોશીઓને થતાં તેઓ શીતલભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

આ ઘટનામાં પોલીસ હંસાબહેનની ફરિયાદ લઇને આરોપી સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. તો બીજી તરફ ક્રાઇમ બ્રાંચ પણ આ કેસમાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છેકે વહેલી સવારે લૂંટના આ કિસ્સામાં આરોપીએ ઘરમાં ચોરી કરવાની કોશિશ કરી હતી ત્યાર બાદ હંસાબહેનના ગળામાંથી ચેઇન તોડીને ફરાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વહેલી સવારે આવેલા આરોપી નાઇટ ટ્રેક પહેર્યું હતું અને આસપાસના વિસ્તારનો હોય તેવું લાગી રહ્યું છે.

You might also like