સમયસર મકાન નહીં મળે તો બિલ્ડરે વ્યાજ આપવું પડશે

નવી દિલ્હી: ઘરનું ઘર ખરીદનારાઓ માટે એક ખુશખબર છે. જો બિલ્ડર તેમને નિયત સમય પર બુક કરાવેલ મકાનની ફાળવણી નહીં કરે તો તેમણે હવે ખરીદનારને ૧૧થી ૧૨ ટકા વ્યાજ આપવું પડશે.
રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટના રૂલ્સમાં આ પ્રકારની જોગવાઇ કરવામાં આવી છે. હાઉસિંગ એન્ડ અર્બન પ્રોપર્ટી એલિવેશન (હુપા) મિનિસ્ટ્રી દ્વારા રિયલ એસ્ટેટ રૂલ્સનો મુસદ્દો જારી કરવામાં આવ્યો છે. હુપાના પ્રધાન એમ.વેંકૈયાનાયડુની મંજૂરી બાદ આ રૂલ્સનો મુસદ્દો જારી કરાયો છે.

શરૂઆતમાં આ રૂલ્સનો અમલ પાંચ કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢ, અાંદામાન નિકોબાર, દમણ દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપમાં કરાશે. સરકારે આ રૂલ્સ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ ૨૦૧૬ લાગુ થવાની બે મહિનાની અંદર તૈયાર કર્યા છે. રાજ્ય પણ પોતાના રૂલ્સ તૈયાર કરનાર છે, જોકે એવું માનવામાં આવે છે કે રાજ્ય પણ કેન્દ્રના આ નિયમોનો અમલ કરશે.

મંત્રાલયે આ નવા રૂલ્સ પર બે સપ્તાહની અંદર વાંધા અને સૂચનો મગાવ્યાં છે. ડ્રાફ્ટ રૂલ્સ અનુસાર પ્રોજેક્ટ કે પેમેન્ટ ડીલે થવા પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પ્રાઇમ લેન્ડિંગ રેટથી બે ટકા વધુ વ્યાજ બિલ્ડરે ચૂકવવું પડશે. આ સંજોગોમાં એસબીઆઇનો પીએલઆર અત્યારે ૯.૦૫ ટકાથી ૯.૩૦ ટકા છે. જો પીએલઆરને આધાર માનવામાં આવે તો મકાન ફાળવણીમાં વિલંબ બદલ બિલ્ડરોએ ગ્રાહકને ૧૧થી  ૧૨ ટકા વ્યાજની ચુકવણી કરવી પડશે.

You might also like