અમેરિકામાં કુદરતનો કાળો કેર : ચોતરફ બર્ફીલા તોફાનથી અકસ્માતોની વણઝાર

વોશિંગ્ટન : અમેરિકામાં બરફનું તોફાન વિકરાળ સ્વરૂપ લઇ રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી તે વિનાશ વેરી રહ્યું છે. અમેરિકાનાં 17 રાજ્યો તેની ઝપટે ચડી ગયા છે. તોફાનની સાથે સાથે 2000 કિલોમીટર વિસ્તારમાં સતત વરસાદ પણ વરસી ર્હોય છે. જો કે નદીઓ જામી ગઇ હોવાનાં કારણે વરસાદી પાણીનાં નિકાલનો કોઇ રસ્તો રહ્યો નથી. તે ઉપરાંત ધુમ્મસનાં કારણે સમગ્ર વાતાવરણ ધૂંધળુ થઇ ચુક્યું છે. જેનાં કારણે ગત્ત 24 કલાકમાં 2000થી વધારે અકસ્માતો થયા છે.
તોફાનોની અસર મેઇનીથી માંડીને જ્યોર્જિયા સુધીનાં17 રાજ્યોમાં ફેલાઇ છે. જેનાં કારણે 2000થી વધારે ફ્લાઇટ્સ રદ્દ કરી દેવામાં આવી છે જ્યારે 8500થી વધારે ફ્લાઇટ્સ ડાયવર્ટ અથવા તો ઘણી મોડી આવી રહી છે. હજારો કિલોમીટરનાં વિસ્તારમાં માત્ર બરફની ચાદર જ છવાઇ ગઇ છે. તે ઉપરાંત દ્રશ્યતા ખુબ જ ઓછી હોવાનાં કારણે માર્ગપરિવહન સંપુર્ણ ખોરવાઇ ચુક્યો છે. નોર્થ કેરોલિના અને વર્જિનિયામાં હજારો અકસ્માતો નોંધાયા છે. જેમાં 5 લોકોનાં મોતનાં પણ અહેવાલો સામે આવી રહ્યા છે. મિસિસિપીમાં ઘણા મકાનો પણ પડી ગયા અથવા તો નુકસાન પહોંચ્યું હોય તેવી ઘટનાઓ સામે આવી છે.
મિસિસિપીમાં અત્યાર સુધીમાં 6 હિમ તોફાનો આવી ચુક્યા છે. ઉપરાંત રવિવારે ન્યૂહેમ્પશાયરમાં -40થી પણ નિચે તાપમાન જોવા મળ્યું હતું. હાલ અમેરિકામાં ઇમરજન્સી જેવી પરિસ્થિતી સર્જાઇ છે. સ્થાનિક સરકારો દ્વારા લોકોને શક્ય હોય ત્યાં સુઘી ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે. શાળા કોલેજો ઉપરાંત ઉદ્યોગ ગૃહો પણ મોટે ભાગે બંધ છે. લોકો પોત પોતાનાં ઘરમાં જ રહી રહ્યા છે.

You might also like