ભારત અને ચીનની સેના વચ્ચે હોટલાઈન શરૂ થશે

બીજિંગ: ભારત અને ચીનની મિલિટરી વચ્ચે વાતચીત માટે હોટલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ચીની મીડિયાએ આ અંગે જાણકારી આપી છે.

બંને દેશોની સેનાઓ વચ્ચે હોટલાઈન શરૂ કરવાની ઘણા લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી અને તાજેતરમાં વુહાન ખાતે મોદી અને શી જિનપિંગ વચ્ચે થયેલી અનૌપચારિક વાતચીત બાદ આ અંગે માર્ગ મોકળો થયો છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર હવે ભારત અને ચીનના મિલિટરી હેડક્વાર્ટરમાં હોટલાઈન લગાવવામાં આવશે. ભારત અને ચીનના નેતાઓ વચ્ચે આ અંગે સંમતિ સધાઈ ગઈ છે.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી અને શી જિનપિંગે પોતાની સેનાનો વિશ્વાસ વધારવા માટે ઉપાય કરવા જણાવ્યું હતું. તેમાં સરહદ પર ઘટનાઓ રોકવા માટે એક સરખી સુરક્ષા, સંસ્થાગત સંબંધો સુદૃઢ કરવા અને એકબીજા વચ્ચે માહિતી શેર કરવા જેવા પગલાંઓનો સમાવેશ થાય છે.

ભારત-ચીન વચ્ચે ૩૪૮૮ કિ.મી. લાંબી વાસ્તવિક અંકુશ રેખા (એલએસસી) આવેલી છે. હોટલાઈન શરૂ થવાથી બંને દેશો વચ્ચે વાતચીત થઈ શકશે. જેના કારણે પેટ્રોલિંગ દરમિયાન કોઈ તંગદિલી ઊભી થશે નહીં. ગઈ સાલ ૧૬ જૂનના રોજ ભારત-ચીન વચ્ચે ડોકલામ મુદ્દે તંગદિલી ભડકી ઊઠી હતી.

ભારતીય સેનાએ ચીનની સેનાને વિવાદિત વિસ્તાર (ભારત, ચીન અને ભુતાનના ટ્રાઈ જંકશન પર) સડક બનાવતી અટકાવી હતી. ૭૩ દિવસ ચાલેલી મડાગાંઠનો ૨૮ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ અંત આવ્યો હતો. આમ તો ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી હોટલાઈન શરૂ કરવાની વાત ચાલી રહી હતી, પરંતુ ક્યા સ્તરે હેડક્વાર્ટરમાં આ હોટલાઈન શરૂ કરવી તે અંગે નિર્ણય લઈ શકાતો ન હતો.

You might also like