હોટલ, રેસ્ટોરાં, ગેસ્ટ હાઉસ માટે હેલ્થ લાઈસન્સની પ્રથા રદ કરો

અમદાવાદ: તાજેતરમાં મ્યુનિ. કોર્પોરેશન સમક્ષ અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિયેશન દ્વારા શહેરની હોટલો, રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસને બીપીએમસી એક્ટ હેઠળ લેવા પડતા હોટલ લાઇસન્સને રદ કરવાની ઉગ્ર રજૂઆત કરાઇ હતી. અમદાવાદ હોટલ ઓનર્સ એસો. દ્વારા મ્યુનિ. કમિશનર ડી. થારાને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે ફૂડ સેફ્ટી એક્ટના કાયદાનો અમલ કરવાની ફરજ પાડી છે. આ કાયદો અમલમાં આવતાં હેલ્થ વિભાગને લગતાં તમામ લાઇસન્સના કાયદાઓ બંધ થઇને હવે ફૂડ સેફ્ટી એકટનું લાઇસન્સ અને ર‌િજસ્ટ્રેશન નંબર જ જરૂરી બને છે, આના કારણે બીપીએમસી એક્ટનું હેલ્થ લાઇસન્સ રદ કરવું જોઇએ.

આ ઉપરાંત ફાયર સ્ટેશનનું પ્રમાણપત્ર, ગુમાસ્તાધારાનું પ્રમાણપત્ર, પ્રોફેશનલ ટેક્સનું પ્રમાણપત્ર વગેરે બંધ કરીને એક જ લાઇસન્સ અને એક બારી પદ્ધતિ અમલમાં મૂકવાની પણ અેસોસિયેશન દ્વારા માગણી કરાઇ છે. કોર્પોરેશન દ્વારા વહીવટી ખર્ચના નામે દર મહિને રૂ.૧૦ હજાર સુધીનો જે દંડ વસૂલાય છે તે અકલ્પનીય છે તેવો રોષભેર ઉલ્લેખ કરીને એસોસિયેશનના આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે એક તરફ જે હોટલો સેલ્સ ટેક્સ, ઇન્કમટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, લકઝરી ટેક્સ, મ્યુનિ. ટેક્સ વેટ જેવા સરકારના તમામ ટેક્સનની ભરપાઇ કરે છે અને લાઇસન્સ ધરાવે છે તેમની સાથે જુલમ કરાય છે.

બીજી તરફ વહેલી સવારે પાંચથી અગિયાર વાગ્યા સુધી અને સાંજના છ થી મોડી રાતના એક વાગ્યા સુધી ધમધમતા ખાણી-પીણીના લારી-ગલ્લા, રાત્રી બજાર, પાર્લર, ઢાબા, હોટલોને ટેક્સ પેટે એક પણ રૂપિયો ભરવો પડતો નથી, ત્યાં લાઇસન્સ લેવા પડતાં નથી તેમજ ત્યાં હેલ્થ વિભાગના દરોડા પડતા નથી.

હોટલ-રેસ્ટોરાંમાં લાંબા સમયથી મંદીનો માહોલ છે, પરંતુ ખાણી-પીણીના લારી-ગલ્લા, રાત્રી બજારો બેરોકટોક અને કાયદાની ઐસીતૈસી કરીને સારો નફો મેળવી રહ્યાં છે. આ સંજોગોમાં શહેરમાં સવારના પાંચ વાગ્યાથી મોડી રાતના એક વાગ્યા સુધી ચાલતા સમગ્ર ખાણી-પીણી ઉદ્યોગનું ર‌િજસ્ટ્રેશન કરીને દરેકને સમાન ન્યાય આપવાની માગણી પણ એસો. દ્વારા કરાઇ છે.

આ અંગે હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.આર. ખરસાણને પૂછતાં તેઓ કહે છે, બીપીએમસી એક્ટ હેઠળનું હેલ્થ લાઇસન્સ પ્રોફેશનલ ટેક્સ વગેરે રદ કરવા અંગે અમદાવાદ હોટલ ઓનર્સ એસોસિયેશનની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ એક વર્ષથી પેન્ડિંગ છે.

You might also like