હોટલ કોટયાર્ડ મેરિયેટને રૂ.૭.પ૦ લાખનો દંડ ફટકારાયો

અમદાવાદ: શહેરની ગણનાપાત્ર હોટલમાંની એક ગણાતી સેટેલાઇટ રોડ પર આવેલી હોટલ કોટયાર્ડ મેરિયેટને મનોરંજન વિભાગે રૂ.૭.પ૦ લાખનો દંડ ફટકારી દીધો છે.  પ્રાપ્ત માહિતી અનુુસાર રામદેવનગર, સેટેલાઇટ રોડ વિસ્તારમાં આવેલી હોટલ કોટયાર્ડ મેરિયેટમાં ઓ ટુ સ્પા સલૂન ચાલે છે. સામાન્ય રીતે હોટેલમાં ચાલી રહેલા આવાં સ્પા કે સલૂનની આવક હોટલના એકોમોડેશનની આવકમાં ગણવાની હોય છે. પરંતુ ટેકસ બચાવી લેવાનાં ચક્કરમાં આની આવક હોટલ મેનેજમેન્ટે જુદી ગણાવી હતી. મનોરંજન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સ્પા કે સલૂન કે જિમ વગેરે જેમાંથી ઇન્કમ જનરેટ કરવામાં આવતી હોય તેને હોટેલના એકોમોડેશનની ઇન્કમમાં ગણવાની થાય.

હોટલ કોટયાર્ડ મેરિયેટ દ્વારા હોટલના રૂમના રૂ.૪૦૦૦ અને સ્પાની આવકના રૂ.૩૦૦૦ એમ રૂ.૭૦૦૦ જુદી જુદી રીતે ગણતરીમાં લેવાયા હતા. જેના કારણે મનોરંજન વિભાગે સ્પાની આવકને હોટલના એકોમોડેશનની આવક ગણીને તાત્કાલીક રૂ.૭.પ૦ લાખ ભરવાની નોટિસ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ શહેરની તમામ કલબમાં ચાલતાં મિની થિયેટરની બેઠકની કેપેસિટી પ્રમાણે મનોરંજન વિભાગે ટિકિટ દીઠ રપ ટકા વેરો લાદ્યો હતો. શહેરની તમામ કલબ હવે રપ ટકા પ્રમાણે છેલ્લા બે માસથી વેરો ભરતી થઇ ગઇ છે.

મનોરંજન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તમામ હોટલમાં સર્વે હાથ ધરાશે અને તેની ઇન્કમ કઇ રીતે ગણતરી કરાય છે અને કેટલા મનોરંજન કરની ચોરી થાય છે તેનું સર્વેક્ષણ કરાશે. હાલમાં ૧૧૦ કરોડના વિભાગના ટાર્ગેટ સામે ૧૩ર કરોડની આવક વિભાગે મનોરંજન કર પેટે સરકારમાં જમા કરાવી છે.
http://sambhaavnews.com/

You might also like