હોટલ પર તલવારો સાથે આવેલાં માથાભારે તત્વોનો ભારે આતંક

અમદાવાદ: અમદાવાદ મહેસાણા હાઇ વે પર વોટર પાર્ક સામે આવેલ એક હોટલ પર માથાભારે તત્ત્વોએ તલવારો સાથે આવી ભારે આતંક મચાવતાં ભાગદોડ મચી ગઇ હતી. માથાભારે તત્ત્વોએ કરેલા હુમલામાં હોટલના માલિક સહિત પાંચ વ્યકિતઓને ઇજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ -મહેસાણા હાઇ વે પર વોટર પાર્ક સામે આવેલ આમંત્રણ હોટલ પર કેટલાક યુવાનો જમવા માટે આવ્યા હતા. જમી લીધા બાદ વેઇટરે બિલ આપ્યું ત્યારે આ શખ્સોએ દાદાગીરી કરી વેઇટરને માર માર્યો હતો. આથી હોટલના માલિકે દરમિયાનગીરી કરતાં ચિક્કાર દારૂ પીધેલા એક શખ્સે મોબાઇલ ફોન કરી અન્ય શખ્સોને બોલાવતાં ૧પ૦થી વધુનું ધાડું હોટલ પર આવી ચડયું હતું અને હોટલના માલિક મહેન્દ્રભાઇ પટેલ સહિત પાંચ વ્યકિતઓને માર મારી સીસી ટીવી કેમેરા, ફર્નિચર, કાચનાંબારી-બારણાં વગેરેમાં તોડફોડ કરી રેસ્ટોરાંના માલિકની સોનાની બે વીંટી અને ચેઇનની લૂંટ ચલાવી હતી.

આ ઘટના બની ત્યારે હોટલમાં જમવા બેઠેલા અન્ય લોકોએ પણ ભયના કારણે દોડાદોડી કરી મૂકી હતી. માથાભારે તત્ત્વો હોટલ પર લૂંટ અને ધાંધલ ધમાલ મચાવી પોતપોતાની કારમાં જમવાના પૈસા આપ્યા વગર જ ભાગી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ આ અંગે રાયોટિંગ અને લૂંટનો ગુનો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જોકે હજુ સુધી એક પણ આરોપીનો પત્તો લાગ્યો નથી.

You might also like