કર્મચારી હોસ્પિટલ કે કાઉ હોસ્પિટલ ?

અમદાવાદ: રાજ્યમાં કામદાર રાજ્ય વીમા નિગમ દ્વારા ચાલતાં દવાખાનાં અનેક વાર પ્રસાર માધ્યમોમાં ચર્ચાનો વિષય બનતાં રહે છે. અત્યાર સુધી ઈએસઆઈસી સંચાલિત દવાખાનાં મોટાભાગે નબળી સારવારને લઈને જ ચર્ચામાં રહ્યાં છે. ત્યારે અમદાવાદના કાંકરિયા વિસ્તારનું ઈએસઆઈસી સંચાલિત દવાખાનું આજકાલ એક અલગ જ કારણે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. ચર્ચાનું કારણ કામદારોને અપાતી સારવાર નહીં પણ કાઉ અર્થાત્ ગૌમાતા છે!

વાત જાણે એમ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સાવ બિસમાર હાલતમાં રહેલું આ દવાખાનું રખડતી ગાયોનો અડ્ડો બની ગયું છે. બીમાર કામદારો અહીં સારવાર માટે આવે કે ન આવે, ગાયો ચોવીસે કલાક આ દવાખાનાના ગેટ આગળ અડિંગો જમાવી બેસી રહે છે. આ દવાખાનું છે તો કાંકરિયા વિસ્તારનું જ, પણ આવેલું છે છેક આસ્ટોડિયા દરવાજા પાસે.

આ દવાખાનું ખરેખર કયા સમયે ખૂલે છે અને બંધ થઈ જાય છે તેની માહિતી કર્મચારીઓને પણ હશે કે કેમ તે પણ એક સવાલ છે. હાલ જ્યારે દેશના રાજકીય ફલક પર ગાય છવાયેલી છે ત્યારે સ્થાનિકો મજાક કરતાં કહે છે, “જે રીતે નેતાઓ આજકાલ ગાયનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે તે જોતાં તો આપણા કરતાં ગાયને દવાખાનાની વધારે જરૂર લાગે છે. એટલે જ એ અહીંથી ખસતી નહીં હોય! “

You might also like