હોસ્પિટલો દર્દીઓથી ઊભરાય છે પણ ડેન્ગ્યુના સત્તાવાર કેસ માત્ર ૧૨૦૦

અમદાવાદ: ગઇ કાલે સાંજે મળેલા મ્યુનિ. બોર્ડમાં શાસકોએ જાહેરમાં ડેન્ગ્યુના ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૭રર કેસ નોંધાયા હોવાની જાહેરાત કરીને ગૃહને ગેરમાર્ગે દોર્યું હતું, જોકે ખુદ તંત્રના ચોપડે ડેન્ગ્યુના કુલ ૧ર૦૦થી વધુ કેસ ચઢ્યા છે, જોકે આશ્ચર્યજનક રીતે હજુ સુધી ડેન્ગ્યુ કે મેલેરિયાથી એક પણ દર્દીનું સત્તાવાર મોત થયું નથી. બીજી તરફ ખાનગી હોસ્પિટલ ડેન્ગ્યુના દર્દીઓથી ઊભરાઇ રહી હોઇ ડેન્ગ્યુનો કોર્પોરેશનનો સત્તાવાર આંક પણ છેતરામણો છે.
ગઇ કાલના મ્યુનિ. બોર્ડમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના રોગચાળાના મુદ્દે હોબાળો મચ્યો હતો. કોંગ્રેસે તંત્ર સામે માહિતી છુપાવાતી હોવાનાે આક્ષેપ કર્યાે હતાે.

મચ્છરજન્ય રોગચાળાથી થયેલા મૃત્યુના મામલે પણ ગરમાગરમી થતાં છેવટે મેયર ગૌતમ શાહને કહેવું પડ્યું હતું કે મરણ થયાં છે, પરંતુ પુરવાર થયાં નથી. દરમ્યાન કોર્પોરેશનમાં ગત તા.૧ જાન્યુ., ર૦૧૬થી ગઇ તા.ર૭ સપ્ટેમ્બર, ર૦૧૬ સુધીમાં ડેન્ગ્યુના કુલ ૧ર૦પ કેસ નોંધાયા હોઇ શહેરના ૪૮ વોર્ડ પૈકી વેજલપુર, પાલડી, વાસણા, સરખેજ, બહેરામપુરા, જમાલપુર, લાંભા, ચાંદલોડિયામાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ મળ્યા છે. સાદા મેલેરિયાના ચાલુ વર્ષમાં આજદિન સુધીમાં કુલ ૭૯૦૦ કેસ અને ઝેરી મેલેરિયાના કુલ ૮પ૦ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે ચાલુ સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કુલ ર૦૧૮ નોંધાઇ ચૂક્યા છે.

ડેન્ગ્યુના દર્દીના ખાનગી લેબના રિપોર્ટમાં ડેન્ગ્યુ ન હોવા છતાં દર્દીના પ્લેટ કાઉન્ટ ઘટતાં જોવા મળ્યા છે. લોકોમાં ડેન્ગ્યુને લઇ ભારે ગભરાટ ફેલાવ્યો હોઇ ખાનગી લેબને તડાકો પડ્યો છે. હાલના ડેન્ગ્યુ ટાઇપ-૩નો ટેસ્ટ એક પણ ખાનગી લેબ કરી શકતી ન હોવા છતાં લોકોની ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મ્યુનિ. હેલ્થ વિભાગના ડો.ભાવિન સોલંકી કહે છે ડેન્ગ્યુ ટાઇપ-૩નો લેબ ટેસ્ટ ફકત ફક્ત સિવિલ હોસ્પિટલમાં થાય છે જ્યારે હજુ સુધી ગાંધીનગર સ્થિત હેલ્થ કમિશનરની ઓફિસેથી ડેન્ગ્યુ-મેલેરિયાથી કોઇના મોતનો સત્તાવાર રિપોર્ટ તંત્રને મળ્યો નથી.

You might also like