૭૫૦ હોસ્પિટલનાં જન્મ મરણનું ‘ઓનલાઈન રજિસ્ટ્રેશન’ થશે

અમદાવાદ: શહેરની હોસ્પિટલોમાં થતાં જન્મ મરણનાં પ્રમાણપત્ર મેળવવામાં સામાન્ય નાગરિકોનો દમ નીકળી જાય છે. પંદર વીસ દિવસ સુધી અનેક હોસ્પિટલના સંચાલકો કોર્પોરેશનમાં પોતાની હોસ્પિટલમાં થયેલા જન્મ કે મરણની વિગતો પાઠવતા નથી. જેને કારણે પાસપોર્ટ, વારસાઈ, બેન્કિંગ કે વીમા જેવા મહત્ત્વનાં કામો રઝળી પડે છે. પરંતુ હવે તંત્રએ જન્મ મરણનું રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કર્યું છે. આ સોફ્ટવેર અંતર્ગત શહેરની ૭૫૦ હોસ્ટિપલને સાંકળી લેવાઈ છે. જેને કારણે આ હોસ્પિટલ જન્મ મરણનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરશે. પરિણામે શહેરીજનો ત્રણ ચાર દિવસમાં જન્મ મરણનું પ્રમાણપત્ર મેળવી શકશે.

મ્યુનિ. જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રાર ડો. અમિત એ. વેગડા કહે છે. ‘કોર્પોરેશનાં આ સોફ્ટવેર અંતર્ગત શહેરની વી.એસ. હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૭૫૦ હોસ્પિટલને આવરી લેવાઈ છે. આ તમામ હોસ્પિટલને તંત્ર દ્વારા યુઝર્સ પાસવર્ડ અપાયા છે. જેના કારણે આ હોસ્પિટલ પોતાને ત્યાં થતાં નવજાત શિશુના જન્મ કે દર્દીનાં મૃત્યુની વિગત ઓનલાઈન નોંધાવી શકશે. જે તે હોસ્પિટલની જન્મ કે મરણની નોંધાવેલી વિગતોની જે તે વોર્ડનાં અર્બન હેલ્થ સેન્ટરના મ્યુનિ. કર્મચારી ચકાસણી કરશે. તંત્રની ચકાસણી માટે જે તે હોસ્પિટલ દ્વારા ત્રણ દિવસમાં ફોર્મ ભરીને વિગત પાઠ‍વવી પડશે.

આવતી કાલે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને હસ્તે એનએચએલ મેડિકલ કોલેજ ખાતે બપોરે બે વાગ્યે કોર્પોરેશનનાં ‘જન્મ મરણ ઓનલાઈન સોફ્ટવેર’નું સ્માર્ટ સિટી મિશન હેઠળ લોન્ચિંગ કરાશે. જોકે નાગરિકો માટે ખરા અર્થમાં આ સોફ્ટવેરને ઉપયોગી થવામાં હજુ આઠેક દિવસ લાગશે.

દર મહિને અમદાવાદમાં સાડા આઠ હજાર જન્મ, સાડા ત્રણ હજાર મૃત્યુ નોંધાય છે
મ્યુનિ. કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના ચોપડે દર મહિને સાડા આઠ હજાર જન્મ અને સાડા ત્રણ હજાર મૃત્યુની નોંધણી થાય છે. જ્યારે દર ત્રણ વર્ષે સરેરાશ એક લાખ જન્મ અને ૪૬ હજાર મૃત્યુ નોંધાય છે. જેમાંથી ૯૭ ટકા જન્મ અને ૫૩ ટકા મરણ હોસ્પિટલમાં થાય છે.

નાગરિકના મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશનનો SMS આવી જશે
જન્મ મરણ વિભાગના વડા ડો. અમિત વેગડા વધુમાં કહે છે, ‘કોર્પોરેશનના સોફ્ટવેરમાં જે તે નાગરિકના મોબાઈલ નંબરનું પણ રજિસ્ટ્રેશન કરાશે. એટલે આ નાગરિકના મોબાઈલ નંબર પર જન્મ કે મરણ રજિસ્ટ્રેશનનો એસએમએસ આવી જશે. ત્યાર બાદ તંત્રના સિવિક સેન્ટરમાંથી રૂ.૫૦ ભરીને જન્મ મરણનું લેમિનેટેડ પ્રમાણપત્ર પણ તત્કાળ મળી જશે.’

You might also like