હોસ્પિટલના બાથરૂમમાં જાતે જ બાળકને જન્મ અાપી માતા ફરાર!

અમદાવાદ: શહેરમાં નવજાત શિશુને ત્યજી દેવાની અનેક ઘટનાઓ બને છે. બાળકના જન્મને છુપાવવાના ઇરાદે હોસ્પિટલમાં અથવા દાયણ પાસે ડિલિવરી કરાવી બાળકને ત્યજી દેવાય છે, પરંતુ એલિસબ્રિજ વિસ્તારમાં બાળકને જન્મ આપવાનો એક અજીબોગરીબ કિસ્સો બન્યો છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક યુવતી કમરના દુખાવાની ફરિયાદ લઈને અાવી હતી. તેની સાથે ત્રણ પુરુષો પણ હતા. યુવતીઅે હોસ્પિટલના બાથરૂમમાં જઈને જાતે જ પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ બાળકને ત્યાં જ ત્યજી દીધું હતું. સફાઇકામ કરતી મહિલાએ બાથરૂમમાં લોહીના ડાઘ જોતાં તેણે આ અંગે પૂછતાં માસિકમાં હોવાનું બહાનું બતાવ્યું હતું. સફાઈ કર્મચારી ડોકટરને જાણ કરવા જતાં યુવતી તેની સાથે આવેલી અન્ય મહિલા અને ત્રણ પુરુષો સાથે નાસી ગઇ હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે એલિસબ્રિજના પ્રીતમનગર ઢાળ પાસે ઓર્થોપેડિક ડો.મનોજ જોશીની હોસ્પિટલ આવેલી છે. ગઇ કાલે હોસ્પિટલમાં સફાઇ કર્મચારી તરીકે ફરજ બજાવતાં શાંતાબહેન મકવાણા બપોરના સમયે બાંકડા પર બેેઠાં હતાં ત્યારે પ૦ વર્ષની સફેદ સાડી પહેરેલી મહિલા એક યુવતી સાથે હોસ્પિટલમાં આવી હતી. યુવતી ગર્ભવતી હતી અને તેને કમરમાં દુઃખાવો છે તેમ કહ્યું હતું. તે પછી યુવતી બાથરૂમમાં ગઈ હતી. દસેક મિનિટ સુધી યુવતી બહાર ન આવતાં શાંતાબહેને દરવાજો ખખડાવી પૂછતાં પેટમાં ઘુમડીયો આવે છે તેમ કહ્યું હતું, જેથી તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. દસેક મિનિટ બાદ ફરી તેઓ પરત આવતાં બાથરૂમ ખુલ્લું હતું અને અંદર જોતાં લોહીના ડાઘા નજરે પડયા હતા.

શાંતાબહેને તાત્કાલિક યુવતીને પકડીને બાથરૂમ સાફ કરવાનું કહ્યું હતું. યુવતીએ પોતે માસિકમાં હોવાનું બહાનું કાઢયું હતું. દરમિયાનમાં અન્ય નર્સ ત્યાં આવી હતી અને મહિલાના કપડાં જોતાં તેમાં લોહીના ડાઘા નજરે પડયા હતા. આ બાબતે યુવતી સાથે બોલાચાલી કરતાં અન્ય ત્રણ પુરુષ જેઓ માથે ટકો અને ગળામાં ખેસ પહેર્યો હતો તે આવી ચડયા હતા અને બોલાચાલી શરૂ કરી હતી.

નર્સ ડોકટરને બોલાવવા જતાં યુવતી તેની સાથે આવેલી મહિલા અને ત્રણ પુરુષ રિક્ષા અને બાઇકમાં બેસી ફરાર થઇ ગયાં હતાં. આ દરમિયાન શાંતાબહેન બાથરૂમ સાફ કરવા માટે જતાં કમોડની પાછળની બાજુ તાજું જન્મેલ બાળક જીવંત હાલતમાં પડ્યું હતું. જેથી તાત્કાલિક ડોકટરને જાણ કરતાં બાળકને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ડોકટરે બાળકને મૃત જાહેર કર્યું હતું.

બાળકના જન્મને છુપાવવાના ઇરાદે ઓર્થોપેડિક હોસ્પિટલમાં કમરમાં દુઃખાવાના બહાને આવી બાથરૂમમાં જાતે જ ડિલિવરી કરી બાળકને જન્મ આપી ત્યજી દેવાની ચોંકાવનારી ઘટના ચર્ચાનો વિષય બની છે. એલિસબ્રિજ પોલીસને જાણ કરાતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી.

ઓર્થોપેડિક ડો.મનોજ જોશીએ જણાવ્યું હતું કે હું ઓર્થોપેડિક ડોકટર છું અને કમરમાં દુઃખાવાના બહાને યુવતી ત્યાં આવી હતી. હોસ્પિટલમાં યુવતીની કોઇ ડિલિવરી થઇ નથી. સીસીટીવી કેમેરા છે, પરંતુ તે લાઇવ છે. તેમાં રેકોર્ડિંગ થતું નથી.
ગાયનેકોલોજિસ્ટ શું કહે છે?

ઓલ ગુજરાત ગાયનેક એસોસિેશનના સેક્રેટરી ડો.મહેશ ગુપ્તાએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતીની બીજી કે ત્રીજી ડિલિવરી હોઇ શકે છે. ડિલિવરી માટે નર્સની જરૂરિયાત પડતી જ હોય છે. જો કોઇ મહિલા ડિલિવરી અંગેની જાણકાર હોય તો જ જાતે ડિલિવરી કરી શકે છે. માતાના પેટમાં જો કોઇ તકલીફ થવા ઝાડો થઇ જાય અને બાળકનો જન્મ થાય તો બાળકને તાત્કાલિક સારવાર આપવી પડે છે. બાળકના બચવા અંગે જણાવ્યું હતું કે બાળક કયા મહિને જન્મ્યું છે, બાળક કેટલું હેલ્ધી છે અને માતા અને બાળકની પરિસ્થિતિ કેવી હતી તે જોયા બાદ જ ખ્યાલ આવે છે કે જો તરત સારવાર મળી હોત તો બાળકને બચાવી શકાયું હોત કે નહીં.

You might also like