સારવાર માટે હોસ્પિટલ કેમ લઈ ગયો તેમ કહી પિતરાઈ ભાઈ સહિત ચારને ચપ્પાના ઘા માર્યા

અમદાવાદ: ધરમ કરતાં ધાડ પડી આ કહેવતને સાર્થક કરતો એક કિસ્સો નરોડા વિસ્તારમાં બન્યો છે. અકસ્માતમાં ઘવાયેલા રિક્ષાચાલકને તેના પિતરાઇ ભાઇએ દવાખાને પહોંચાડ્યો પણ ભાનમાં આવતાં જ રિક્ષાચાલકે વિના કારણે પિતરાઇ ભાઇ સાથે ઝઘડો કરી તેના પર તેમજ પરિવારના અન્ય સભ્યો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે નરોડા ગામમાં આવેલ કબીરપુરામાં રહેતા રામજી મણાજી ઠાકોરે તેના પિતરાઇ ભાઇ વિરુદ્ધમાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. રામજી રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે બપોરે તેના પિતરાઈ ભાઈ સુનીલની રિક્ષા પલટી થઇ ગઇ હોવાના સમાચાર મળતાંની સાથે જ રામજી કલ્યાણ ત્રણ રસ્તા પાસે પહોંચી ગયો હતો. જ્યાં સુનીલ બેભાન હાલતમાં રોડ પર પડ્યો હતો. રામજીએ 108 ઇમર્જન્સી એમ્યુલન્સ બોલાવી હતી અને સુનીલને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સિવિલ હોસ્પિટલમાં પહોંચતાંની સાથે સુનીલ ભાનમાં આવી ગયો હતો અને તેણે એકાએક ધમાલ મચાવવાની શરુ કરી દેતાં આખું ટ્રોમા સેન્ટર માથે લીધું હતું. સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવતાં રામજી સાથે પણ હોસ્પિટલમાં ઉગ્ર બોલાચાલી કરી હતી.

સુનીલે હોસ્પિટલમાં ધમાલ મચાવતાં સિક્યોરિટી ગાર્ડે તેમને ઘરે પરત જવાનું કહ્યું હતું. રામજી અને સુનીલ ઘરે પરત આવી ગયા હતા. જ્યાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા મામલે રામજી પર સુનીલે ચપ્પા વડે હુમલો કર્યો હતો. રામજીની માતા સીતાબહેન, બહેન મંગુ મિત્ર અમિત ભરવાડ ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડતાં સુનીલે ત્રણેય પર ચપ્પુ હુલાવી દીધું હતું.

આ ઘટનામાં રામજી તેની માતા, બહેન અને મિત્રને સામાન્ય ઇજા પહોંચી હતી. ચારેય પર હુમલો કરીને સુનીલે રામજીના ઘરના સામાનની તોડફોડ કરી હતી. નરોડા પોલીસે આ મામલે સુનીલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ મામલે રામજીએ જણાવ્યું હતું કે સુનીલે નશો કર્યો હતો અને તેને હોસ્પિટલમાં સરાવાર નહીં કરાવવા મામલે ધમાલ શરૂ કરી હતી.
http://sambhaavnews

You might also like