સાપનું લોહી પીનારા હોરવાથ સામે આજે વિજેન્દ્રનો મુકાબલો

લિવરપુલઃ ભારતનાે સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહ આજે પોતાના ચોથા પ્રોફેશનલ મુકાબલામાં સાપનું લોહી પીને તૈયારી કરી રહેલા હંગેરીના એલેકઝાન્ડર હોરવાથ સામે ટકરાશે. ભારતીય બોક્સરે પોતાના પાછલા ત્રણેય મુકાબલા હરીફને નોકઆઉટ કરીને જીતી લીધા છે.

ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપના કાંસ્ય પદક વિજેતા વિજેન્દ્રની કોશિશ જીતના ક્રમે જાળવી રાખવાની છે. જોકે આ મુકાબલામાં તેને અત્યાર સુધીના સૌથી અનુભવી હરીફ સાથે ટકરાવાનું છે, જે વિજેન્દ્રને હરાવવા માટે સાપનું લોહી પણ પી રહ્યો છે.

હંગેરિયન બોક્સરનો પ્રો સર્કિટમાં રેકોર્ડ પણ સારો કહી શકાય એવો છે. હોરવાથે સાત ફાઇટમાંથી પાંચમાં જીત હાંસલ કરી છે અને કુલ ૩૧ રાઉન્ડ લડવાનો તેની પાસે અનુભવ છે. બીજી તરફ વિજેન્દ્ર હરીફને ચિત કરવા માટે રોજ દસ કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે. મુકાબલાને લઈને વિજેન્દ્રએ કહ્યું, ”મારે મારું અજેય અભિયાન જાળવી રાખવું છે. એ જરૂરી છે કે હોરવાથ વિરુદ્ધ હું દમદાર પ્રદર્શન કરું. ત્યાર બાદ મને ડબ્લ્યુબીએ એશિયા ટાઇટલ માટે ફાઇટ કરવાની છે.”

હોરવાથ અંગે વિજેન્દ્રએ કહ્યું કે, ”તે એક મજબૂત હરીફ છે. બની શકે કે તેની પાસેથી મને કંઈક નવું શીખવા મળે. તેની પાસે મારા કરતાં વધારે અનુભવ છે, પરંતુ મને નથી લાગતું કે મારા મુક્કા તેના પર પડશે તો તે વધુ સમય મારી સામે ટકી શકશે.” બીજી તરફ હોરવાથ પણ પોતાની જીતને લઈને આશ્વસ્થ છે. આ ૨૦ વર્ષીય બોક્સરે કહ્યું, ”મને નથી લાગતું કે વિજેન્દ્ર મારી સામે મજબૂત સાબિત થશે. બીજા કે ત્રીજા રાઉન્ડમાં હું તેને નોકઆઉટ કરી દઈશ એવો મને
વિશ્વાસ છે. મેં તેના વીડિયો જોયા છે, તેની ઘણી નબળાઈઓ છે.”

You might also like