અશ્વ કુળનાં પ્રાણીઓ પર આફતના ઓળા

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ જેવા ચેપી રોગનો ખતરો વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. જોકે હાલ તો માનવી કરતાં અશ્વ કુળનાં પશુઓ પર આફતના ઓળા ઊતર્યા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના વિવિધ તાલુકાઓમાં ઈંટના ભઠ્ઠાઓ પર કામ કરતાં અશ્વ કુળનાં પ્રાણીઓ (ઘોડા, ગર્દભ, ખચ્ચર)માં ગ્લેન્ડર નામની જીવલેણ બીમારી દેખાઈ આવી છે. આ બીમારી બેક્ટેરિયલ હોવાથી અન્ય પશુઓમાં તેનો ફેલાવો ઝડપથી ન વધે તે માટે આવાં ચેપગ્રસ્ત પશુઓને દવાયુક્ત ઈંજેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

હાલમાં જ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ઈંટના ભઠ્ઠા પર ભાર વહન કરવા અર્થે રખાયેલાં ખચ્ચરમાં આ રોગ જણાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તાલુકાના ચિયાડા અને ઝેકડા ગામના ઇંટના ભઠ્ઠા  પરથી પશુપાલન વિભાગની ટીમે બે ખચ્ચરોનાં લોહીનાં સેમ્પલ લઈને રાજ્યકક્ષાની લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલ્યાં હતાં. જેમાં બંને ખચ્ચરોને ગ્લેન્ડરની બીમારી જણાતાં ઈંજેક્શન આપીને મોતને ઘાટ ઉતારી દેવાયાં હતાં અને ઊંડા ખાડા ખોદીને દાટી દેવાયાં હતાં જેથી અન્ય પશુઓને આ ચેપી બીમારીથી બચાવી શકાય. બાદમાં અન્ય રર૦ પશુઓનાં લોહીનાં સેમ્પલ લઈને હરિયાણાની હિસારસ્થિત લેબોરેટરીમાં તપાસાર્થે મોકલ્યાં હતાં. જેમાંથી ૯ પશુઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તે તમામને પણ ઈંજેક્શન આપીને મોતની નીંદમાં સુવડાવી દેવાયાં હતાં. બાવળા તાલુકા પશુચિકિત્સા અધિકારી આર. જી. પટેલ કહે છે, “પશુપાલન વિભાગ અન્ય પશુઓમાં આ બીમારી ન ફેલાય તે અંગે પૂરતું ધ્યાન આપી રહ્યો છે.”

આ ઘટના બાદ રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા ઈંટના ભઠ્ઠાઓ પર ખાસ કરીને ઉત્તરપ્રદેશથી લવાયેલા અશ્વ કુળનાં પશુઓમાં ચકાસણી હાથ ધરવાનું ફરમાન કરાયું છે અને કેટલાક તાલુકામાં આવાં પશુઓના આવાગમન પર પ્રતિબંધ પણ  લાદવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાના હારિજ તાલુકાના વાઘેલ, કુકરાણા અને જાસ્કા ગામના ઈંટના ભઠ્ઠાઓ પરની તપાસમાં પણ પાંચ ખચ્ચરોને આ બીમારી જણાતા તેમને પણ મોતનાં ઈંજેક્શન આપી દેવાયાં હતાં. આ અંગે જિલ્લા પંચાયતના નાયબ પશુનિયામક ડૉ. નટુભાઈ પટેલ કહે છે, “પ૬પ પશુઓનાં સેમ્પલ્સ લઈને હિસારની લેબમાં ચકાસણી માટે મોકલાયા છે. પોઝિટિવ રિપોર્ટ આવશે તેવાં પશુઓને પણ મોતનું ઈંજેક્શન આપી દેવાશે.” તો મહેમદાવાદ તાલુકાના વરસોલા પંથકમાંથી પણ પપ જેટલાં પશુઓનાં સેમ્પલ લેવાયાં હતાં. જેમાંથી બે પશુઓને રોગ જણાતાં તેમને પણ પીડારહિત મૃત્યુ અપાયું હતું.”

શું છે ગ્લેન્ડર બીમારી અને તેની પ્રક્રિયા?

ગ્લેન્ડર એ બેક્ટેરિયલ ઈન્ફેક્શન ફેલાવતી જીવલેણ બીમારી છે, જે અશ્વ કુળનાં પ્રાણીઓમાં જોવા મળે છે. શ્વાન, બિલાડી, બકરી તથા તકેદારી ન લેવાય તો માનવીમાં પણ તે ફેલાઈ શકે છે. આ રોગની કોઈ અસરકારક દવા ન હોઈ આવી બીમારીગ્રસ્ત પશુઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી થાયોપેન્ટલ  ઈંજેક્શન આપીને પીડારહિત મોત અપાય છે અને ખાડો ખોદીને દાટવામાં  આવે છે.

ઉત્તરપ્રદેશમાં આ રોગ જાનવરોમાં થતો હોઈ ઈંટના ભઠ્ઠામાં કામ કરવા આવેલા ગરીબ મજૂરો અને તેમનાં જાનવરોમાં આ રોગ ફેલાયો છે. ગરીબ પરિવારોને પેટિયું રળી આપતાં ખચ્ચરોનું તેમની નજર સામે જ મોત નિપજાવાતાં તેઆનાં કલ્પાંતથી સૌ કોઈ હચમચી ઊઠ્યા છે. પશુઓનાં આવાં મૃત્યુને ‘મોત’ ગણવું કે ‘મોક્ષ’ એ એક પ્રશ્નાર્થ છે.
યોગેશ પટેલ

You might also like