ચીનમાં ચાલતી ટૂરિસ્ટ બસમાં ભયાનક આગઃ 26નાં મોત

(એજન્સી)બીજિંગ: ચીનના હુનાન પ્રાંતમાં ગઇ કાલે મોડી રાત્રે ચાલતી ટૂરિસ્ટ બસમાં આગ લાગતાં ર૬ લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટનામાં ર૮ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઓફિિ‌શયલ જાહેરાતમાં જણાવાયું છે કે બસમાં પ૭ લોકો સવાર હતા. સ્થાનિક મીડિયા મુજબ હાઇવે પર ચાલતી બસમાં અચાનક આગ લાગી. જ્યાં સુધી લોકોને સુર‌િક્ષત બહાર કઢાય તે પહેલાં આગ ખૂબ જ ખરાબ રીતે ફેલાઇ ચૂકી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આગ કેવી રીતે લાગી તે માટે તપાસના આદેશ અપાયા છે. કેટલાક મૃતકોની ઓળખ થઇ ચૂકી છે તો કેટલાકની બાકી છે. જખમી લોકોનો ઇલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. જ્યાં કેટલાકની હાલત નાજુક જણાવાઇ રહી છે.

એવું પણ કહેવાય છે કે બસ હાઇવેના કિનારે લાગેલી રેલિંગ સાથે ટકરાઇ ગઇ. આ ટક્કર બાદ બસની ઓઇલ ટાંકીમાં લીકેજ થયું. ત્યાર બાદ બસ આગની જ્વાળામાં લપેટાઇ ગઇ. આ દુર્ઘટના ચાંગદે શહેરના હાંશોઉ કાઉન્ટીમાં હાઇવે પર સાંજના લગભગ ૭-૧પ વાગ્યે બની હતી. બસમાં બે ડ્રાઇવર અને એક ટૂરિસ્ટ ગાઇડ પણ હતો. બંને ડ્રાઇવરની ધરપકડ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાના એક દિવસ પહેલાં ચીનના યાનચેંગમાં એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ થતાં ૬૪ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને ૬૪૦ જેટલા લોકો દાઝી ગયા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ ઉત્તર ચીનમાં પણ કેમિકલ લઇ જઇ રહેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો અને ર૩ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે રર લોકો ઘાયલ થયા હતા.

You might also like