હુક્કાબારના માલિક સહિત પાંચ સામે મની લોન્ડરિંગની ફરિયાદ

અમદાવાદ: નવરંગપુરામાં મીઠાખળી છ રસ્તા નજીક SIS સિક્યો‌િરટી કંપનીમાં ૧૪ કિલો સોનાની લૂંટ કરનાર આરોપી સાગર અને પિંકી ભાગચંદાનીએ વ્યાજે લાખો રૂપિયા લીધા હતા અને હુક્કાબારમાં સાગરે પૈસા ઉડાવ્યા હતા એની કડક ઉઘરાણી કરાતાં તેઓને લૂંટ કરવાની ફરજ પડી હતી. પૈસાની કડક ઉઘરાણીના મામલે પોલીસ કમિશનરના આદેશ બાદ હુક્કાબારના માલિક અને નંદુ દેસાઇ સહિત પાંચ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. નવરંગપુરા પોલીસે સાગરની ફરિયાદ લઇ વસ્ત્રાપુર પોલીસને ઝીરો નંબરથી મોકલી આપી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા સાગર ભાગચંદાની અને તેની બહેન પિંકી ભાગચંદાનીએ SIS કંપનીમાં ૧૪ કિલો સોનાની લૂંટ કરી હતી. જેઓની ધરપકડ બાદ પૂછપરછમાં તેઓને લાખો રૂપિયાનું દેવું થઇ ગયું હતું અને નંદુ દેસાઇ અને કરણ દેસાઇ વ્યાજે આપેલા પૈસાની કડક ઉઘરાણી કરતા હતા તેમજ હુક્કાબારમાં પણ લાખો રૂપિયાનું દેવું થઇ જતાં તેઓને પૈસાની ચુકવણી કરવા આ લૂંટ કરવાની ફરજ પડી હતી.

લૂંટ કેસમાં ધરપકડ બાદ વ્યાજે લીધેલા રૂપિયાની ચુકવણી માટે લૂંટ કરી હોવાનું પૂછતાં પોલીસ કમિશનરના આદેશ બાદ ગઇ કાલે સાગરની ફરિયાદના આધારે નરેન્દ્ર ઉર્ફે નંદુ દેસાઇ (રહે. ચાંદલોડિયા), કરણ દેસાઇ તેમજ જયેશ દેસાઇ વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો પોલીસે નોંધ્યો હતો. વસ્ત્રાપુરના કાફે કવાલી હુક્કાબારના માલિક ચિરાગ દુબે (રહે. બાપુનગર) અને દિવ્યેશ પટેલ (રહે. ગાંધીનગર) પાસેથી પણ ઉધારમાં હુક્કા પીવા અને પૈસા લીધા હોઇ તેઓ પણ કડક ઉઘરાણી કરતા હતા. જેથી આ બે વ્ય‌િક્તઓ સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

સાગરે નંદુ અને કરણ પાસેથી ૭ ટકાના વ્યાજે ચારથી પાંચ લાખ રૂપિયા લીધા હતા. તેને ચૂકવાની રકમ દસેક લાખ થઇ ગઇ હતી. હુક્કાબારમાં પણ લાખોનું દેવું થઇ ગયું હોઇ કડક ઉઘરાણી થતી હતી. હાલ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like