૧૨૩નો ભોગ લેનાર લઠ્ઠાકાંડના ૧૬૭ સાક્ષી હોસ્ટાઈલ થઈ ગયા

અમદાવાદ: અમદાવાદમાં ૧ર૩થી વધુ લોકોનો ભોગ લેનારા ર૦૦૯ના લઠ્ઠાકાંડના કેસનો હજુ નીવેડો આવ્યો નથી. આ ચકચારી કેસના ર૯૯ સાક્ષીઓ પૈકી ૧૬૭ સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ ગયા હોવાનું ખુુદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે.

આ ચકચારી કેસના ચાર આરોપીઓ દ્વારા ખાસ કોર્ટમાં અરજી આપીને અગાઉથી સાક્ષીઓના નામ આપવા સહિત કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર પાનાંનો લેખિતમાં જવાબ રજૂ કરીને ગંભીર કેસ હોવાથી અરજી ફગાવી વિનંતી કરાઇ છે. જજ પી. ટી. પટેલ આજે બપોર બાદ ચુકાદો આપશે.

ર૦૦૯માં શહેરના કાગડાપીઠ, ઓઢવ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી ૧ર૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૭૦ જણાને ગંભીર અસર થઇ હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે કરીને બુટલેગર વિનોદ ડગલી, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સહિત ૩૯ લોકોની ધરપકડ કરીને હત્યા સહિતની કલમો હેઠળ કોર્ટમાં ચાર્જશીટ મુકાઇ હતી. જેમાં ૧૭૦૪ સાક્ષીઓ દર્શાવવામાં આવ્યા હતા. દરમિયાનમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશથી ૧૭૦૪ સાક્ષીઓ પૈકી ૪૭૮ સાક્ષીઓ અને તપાસ કરનાર અધિકારીઓ તથા મટીરિયલ ૯૪ સાક્ષીઓને પ્રથમ તપાસવા માટે નક્કી કર્યું હતું. જેના આધારે અત્યાર સુધી ર૯૯ સાક્ષીઓની જુબાની તથા ઊલટ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાનમાં રવીન્દ્ર પવાર સહિતના ચાર આરોપીઓ દ્વારા એડવોકેટ મિનેશ વાઘેલા મારફતે કોર્ટમાં અરજી આપીને એવો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે કોર્ટમાં જુબાની માટે જે સાક્ષીને બોલાવવાના હોય તેની આરોપીઓને અગાઉથી જાણ કરવી જોઇએ. આ કેસના દસ્તાવેજો વધુ હોવાથી જો અગાઉથી જાણ કરવામાં આવે તો તેઓ યોગ્ય રીતે પોતાનો બચાવ કરી શકે.

ક્રાઇમ બ્રાન્ચ તરફથી સિનિયર એડવોકેટ એચ. એમ. ધ્રુવ અને અમિત પટેલે કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે ગંભીર પ્રકારનો કેસ છે. ૧ર૩ જણાના મોત નીપજ્યાં હતાં અને ૧૭૦ જણાને ગંભીર અસર થઇ છે. આ કેસમાં ર૯૯ સાક્ષીઓની થયેલી જુબાનીમાં ૧૬૭ સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા છે. કેટલાક આરોપીઓ સળ્નાવણીમાં નિયમિત હાજર રહેતા નથી. કેસમાં વિલંબ ન થાય તે હેતુથી આરોપીઓની હાજરીનો આગ્રહ રાખ્યા સિવાય કેસની કાર્યવાહી અાગળ વધારી રહ્યા છે.

કામચલાઉ જામીન મેળવીને આરોપી વિશાલ ઉર્ફે મોટુ, અમિત ઉર્ફે અમરતસિંહ અને સુલક્ષા ઉર્ફે સલ્લી ફરાર થઇ ગયા છે. ક્રાઇબ બ્રાન્ચ દ્વારા આરોપીઓ સામે રજૂ કરવામાં આવેલ ચાર્જશીટમાં સાક્ષીઓનાં નિવેદનો સહિતના દસ્તાવેજો આપવામાં આવ્યા છે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સાક્ષીઓનું લિસ્ટ આપેલ છે.

સામાન્ય રીતે કાયદામાં એવી જોગવાઇ છે કે જે એજન્સીએ તપાસ કરી હોય તેને કેસની કાર્યવાહી દરમિયાન હાજર રહીને કોર્ટને મદદ કરવાની હોય છે. પ્રસ્તુત કેસમાં મહત્ત્વના સાક્ષીઓ હોસ્ટાઇલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ સફાળી જાગી હતી અને કોર્ટમાં આ મહત્ત્વના કેસની કાર્યવાહી દરમિયાન એક હેડ કોન્સ્ટેબલ સહિત બે જણાને વોચમાં મૂકવામાં આવ્યા છે.

You might also like