હોંગકોંગે પાકિસ્તાનમાં ડેવિસ કપની મેચ રમવાનો સાફ ઇનકાર કરી દીધો

લંડન: સુરક્ષાનું કારણ દર્શાવીને હોંગકોંગે પાકિસ્તાનમાં ડેવિસ કપની મેચો રમવાનો ઇનકાર કરી દીધો છે. હોંગકોંગે આવતા મહિને ઇસ્લામાબાદમાં પાકિસ્તાન સામે રમાનારી ડેવિસ કપની પોતાની મેચો જતી કરી છે. ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઈટીએફ)એ ઝોનલ વિભાગીય મેચોમાંથી ખસી જવાના હોંગકોંગના નિર્ણય બાબતમાં તે ખેદ વ્યક્ત કરે છે અને પોતે તે નિર્ણયથી સંમત નથી.
ડેવિસ કપની સમિતિએ નિર્ણય લીધો હતો કે પાટનગરમાં પાકિસ્તાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયા/ઓસેનિયા ઝોનની બીજા રાઉન્ડની મેચનું તા. સાતથી નવ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ગત ફેબ્રુઆરીમાં ઈરાન વિરુદ્ધની મેચનું આયોજન કરાયું હતું. પાકિસ્તાન હવે ત્રીજા રાઉન્ડમાં ફિલિપાઈન્સ અથવા થાઈલેન્ડ સામે રમશે.

આઈટીએફે કહ્યું હતું કે મેચમાંથી ખસી જવામાં હોંગકોંગે કોઈ નિયમ ભંગ કર્યો છે કે નહીં અને તેની સામે શાં પગલાં ભરવાં તે અન્ય પેનલ દ્વારા નક્કી કરવામાં આવશે. પાકિસ્તાનમાં છેલ્લા એક દાયકામાં ઉગ્રવાદીઓના વારંવાર હુમલામાં અનેક વ્યક્તિની હત્યા થઈ છે, જેમાં પોલીસ અને અર્ધ લશ્કરી દળના કર્મચારીઓનો પણ સમાવેશ છે. પાકિસ્તાન ટેનિસના સત્તાવાળાઓએ હોંગકોંગના આવા નિર્ણય માટે નિરાશા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાન ટેનિસ ફેડરેશનના સચિવ ખાલિદ રહેમાનીએ કહ્યું હતું કે પાકિસ્તાને ૧૨ વર્ષમાં પહેલી વાર ઈરાન સામે ડેવિસ કપની મેચનું ગત ફેબ્રુઆરીમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.
http://sambhaavnews.com/

You might also like