આજે હનીપ્રીતને કોર્ટમાં રજૂ કરાશેઃ પોલીસ ૧૦ દિવસના રિમાન્ડ માગશે

પંચકુલા: હરિયાણા પોલીસની સ્પેશિયલ તપાસ ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમની નિકટ મનાતી અને તેમની કહેવાતી પુત્રી હનીપ્રીતના છ દિવસના પોલીસ રિમાન્ડ સોમવારે સમાપ્ત થઈ ગયા છે. આજે હનીપ્રીતને ફરી વાર પંચકુલા કોર્ટમાં રજૂ કરાશે અને એવી શક્યતા છે કે પોલીસ હજુ હનીપ્રીતના ૧૦ દિવસના વધુ રિમાન્ડની માગણી કરશે. છ દિવસના પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસે સઘન પૂછપરછ કરવા છતાં હજુ હનીપ્રીતે કંઈ જાહેર કર્યું નથી અને તમામ કો‌િશશો છતાં હનીપ્રીત પાસે કંઈ ઓકાવવામાં પોલીસને સફળતા મળી નથી. આથી વધુ પૂછપરછ માટે પોલીસ હનીપ્રીતના વધુ રિમાન્ડની માગણી કરાશે.

દેશદ્રોહની આરોપી હનીપ્રીતની ૩ ઓક્ટોબરના રોજ ઝીરકપુર-પટિયાલા રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ હનીપ્રીતને છ દિવસના પોલીસ રિમાન્ડ આપવામાં આવ્યા હતા, પરંતુ હનીપ્રીત પૂછપરછમાં કોઈ સહકાર આપતી નથી. અહેવાલો અનુસાર છ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે હનીપ્રીતને ૪૦થી વધુ સવાલ પૂછ્યા હતા, જેમાંથી મોટા ભાગના સવાલના જવાબ તે આપી શકી નથી.

છ દિવસની પૂછપરછ દરમિયાન હનીપ્રીતે જે ખાસ રહસ્ય જાહેર કર્યાં છે, તેમાં સૌથી મોટું રહસ્ય તેની સિક્રેટ ડાયરીનું છે, જેમાં ડેરા સચ્ચા સૌદા સાથેના વ્યવહારો, ગુપ્ત બેઠકો અને બીજી ખાનગી માહિતી અને રહસ્ય લખેલાં છે. આ ડાયરી હનીપ્રીતે ૨૫ ઓગસ્ટના રોજ ડેરામાં ક્યાંક છુપાવી દીધી છે અને પોલીસને હજુ આ ડાયરી હાથ લાગી નથી.

You might also like