હનીપ્રીતને રામ રહીમના ગામ લઇ જઇને મોડી રાત સુધી પૂૂછપરછ કરાઇ

શ્રીગંગાનગર: ગુરમીત રામ રહીમનાં રહસ્યો જાણતી અને તેની કહેવાતી પુત્રી હનીપ્રીતને હરિયાણા પોલીસ રાજસ્થાનના શ્ર‌ીગંગાનગર અને હનુમાનગઢ લઇ ગઇ છે. હનીપ્રીતની હરિયાણા પોલીસે રામ રહીમના ગામ ગુરસર મોડિયામાં ગઇ કાલે મોડી રાત્રે ત્રણ કલાક પૂછપરછ કરી હતી. એટલું જ નહીં મોડી રાત સુધી પોલીસે દરોડાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને હવે આજે હનીપ્રીતને સિરસા લઇ જવામાં આવશે.

હનીપ્રીત ફરાર થઇ ગયા બાદ રાજસ્થાનના શ્રીગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં જ્યાં જ્યાં રહી હતી તેના સરનામા અંગે કન્ફર્મ કર્યું હતું અને પોલીસે મોડી રાત સુધી રામ રહીમના વતન અને જન્મસ્થળ ગુડસર મોડિયામાં કાર્યવાહી કરી હતી. તપાસ ટીમે હનીપ્રીતના લેપટોપ અને મોબાઇલની પણ શોધખોળ ચાલુ રાખી છે.

ચાર ગાડીઓના કાફલા સાથે સીટની ટીમે રામ રહીમના ગામમાં અનેક જગ્યાએ તાબડતોબ દરોડા પાડયા હતા કે જેથી હનીપ્રીત પાસેથી મળેલ હિંસાના સુરાગની અનેક કડીઓ જોડી શકાય. સીટની આ કાર્યવાહી એટલી ખાનગી રાખવામાં આવી હતી કે પોલીસકર્મીઓ સિવાય કોઇને પણ સ્થળ પર જવાની મંજૂરી નહોતી. આ ઉપરાંત પંચકુલા પોલીસ સાત ગાડીઓમાં સશસ્ત્ર પોલીસ દળ સાથે શ્રીગંગાનગરના ગામ લાભુવાલા પહોંચી હતી કે જ્યાં હનીપ્રીત રોકાઇ હતી. આ જગ્યાએ તપાસ કર્યા બાદ પોલીસ ટીમ હનીપ્રીતને લઇને ગુરમીત રામ રહીમના ગામ ગુરસર મોડિયા પહોંચી હતી. અહીં રામ રહીમનું વડીલો પાર્જિત મકાન છે ત્યાં પણ હનીપ્રીત ત્રણ દિવસ રોકાઇ હતી અને તેની ખરાઇ કરી હતી.

એસઆઇટીએ અહીં સવા પાંચ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરી હતી અને ૩૦થી વધુ લોકોની પૂછપરછ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચંડીગઢમાં હનીપ્રીતે રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી કે રામ રહીમને અદાલતે સજા ફટકાર્યા બાદ પંચકુલામાં ફાટી નીકળેલી હિંસાની તે માસ્ટર માઇન્ડ હતી. હિંસા માટે હનીપ્રીતે રૂ.૧.રપ કરોડ વેેર્યા હતા અને હિંસા ભડકાવવાનું કાવતરું અગાઉથી જ રચ્યું હતું. દરમિયાન હજુ સુધી હનીપ્રીતનો મોબાઇલ હાથ લાગ્યો નથી. પોલીસને શંકા છે કે હનીપ્રીતનો મોબાઇલ ભટીંડાના એ ગામમાં છુપાવવામાં આવ્યો છે કે જયાં તે પાંચ દિવસ છુપાઇને રહી હતી. પોલીસે આ માટે દરેક સ્થળે તપાસ કરી રહી છે. હવે આજે હનીપ્રીતને ડેરાના હેડકવાર્ટર સિરસા લઇ જવાશે.

You might also like