હનીપ્રીતે રમખાણો ભડકાવવા સવા કરોડ રૂપિયા વહેંચ્યા હતા

પંચકુલા: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિતસિંહ રામ રહીમની કહેવાતી પુત્રી અને પંચકુલામાં થયેલાં રમખાણોની આરોપી હનીપ્રીત હરિયાણા પોલીસ-એસઆઈટીને પૂછપરછમાં સહકાર આપતી નથી. પોલીસ-એસઆઈટી હનીપ્રીતને સતત પૂછપરછ કરી રહ્યાં છે, પરંતુ તે મોટા ભાગના પ્રશ્નો પર મૌન ધારણ કરી રહી છે.

બીજી બાજુ હનીપ્રીત અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું બહાર આવ્યું છે કે હનીપ્રીત ડેરાનું બધું ફાઈનાન્સ સંભાળતી હતી. પંચકુલામાં થયેલાં રમખાણોને લઈ ૧૭ ઓગસ્ટની બેઠક બાદ હનીપ્રીતે જ રૂ. સવા કરોડ હિંસા ભડકાવવા માટે વહેંચ્યા હતા. હરિયાણા પોલીસ હનીપ્રીત અને તેની સાગરીત સુખદીપ કૌરને ભટિંડા લઈ ગઈ હતી અને ત્યાં તેની સાડા ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

દરમિયાન હરિયાણા પોલીસને એક હાર્ડ ડિસ્ક મળી છે, જેમાં ગુરમિત રામ રહીમની રૂ. ૭૦૦ કરોડથી વધુ કિંમતની પ્રોપર્ટી અને હવાલા બિઝનેસની સંપૂર્ણ વિગતો છે. આ હાર્ડ ડિસ્ક એન્ફોર્સમેન્ટ ‌િડરેક્ટોરેટને સોંપવામાં આવશે. ડેરા સચ્ચા સૌદાના અલગ અલગ વિસ્તારોમાં દરોડા દરમિયાન આ હાર્ડ ડિસ્ક મળી આવી હતી અને હાર્ડ ડિસ્કને સળગાવી તેને નુકસાન પહોંચાડવાની પણ કોશિશ કરવામાં આવી હતી. પોલીસે હાર્ડ ડિસ્કને જપ્ત કરી તેમાંથી ડેટા કાઢવામાં સફળતા મેળવી છે.

હનીપ્રીત અને તેની સાગરીત સુખદીપને લઈ પોલીસ ભ‌િટંડાના ભવાનીગઢ પોલીસ સ્ટેશન પહોંચી હતી. હનીપ્રીતની ધરપકડ બાદ એસઆઈટીએ તેને ૪૦ સવાલો પૂછ્યા હતા, જેમાંથી ૧૩ સવાલો પર હનીપ્રીત ચૂપ રહી હતી અને બાકીના સવાલોના ગોળ ગોળ જવાબ આપ્યા હતા.

ત્રીજી ઓક્ટોબરે હનીપ્રીતની ધરપકડ બાદ આઈજી મમતાસિંહ, પંચકુલાના પોલીસ કમિશનર એ. એસ. ચાવલા, ડીસીપી મનવીરસિંહ અને બીજા પોલીસ અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે. જો હનીપ્રીત હવે તપાસમાં સહકાર નહીં આપે તો પોલીસ તેના વધુ રિમાન્ડ માગશે એવું સૂત્રો જણાવે છે.

You might also like