હરિયાણા પોલીસે હનીપ્રીતને ‘મોસ્ટ વોન્ટેડ’ યાદીમાં મૂકી

ચંડીગઢ: ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમિત રામ રહીમને બળાત્કાર કેસમાં અપરાધી ઠરાવ્યા બાદ પંચકૂલામાં ભડકી ઊઠેલી હિંસાના સિલસિલામાં હરિયાણા પોલીસે મોસ્ટ વોન્ટેડ આરોપીઓની યાદી જારી કરી છે. આ યાદીમાં રામ રહીમની સૌથી માનીતી અને નિકટની હનીપ્રીતનું નામ પણ સામેલ છે. ૪૩ મોસ્ટ વોન્ટેડ લોકોમાં ડેરાના પ્રવકતા આદિત્ય ઈન્સાનું નામ પણ છે. રામ રહીમને અપરાધી જાહેર કર્યા બાદ તેના ગનમેન તેને કોર્ટમાંથી ભગાડી જવાની પેરવીમાં હતા. આ સમગ્ર મામલાની સા‌િજશ હનીપ્રીતે રચી હતી અને તેથી પોલીસે હનીપ્રીત વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો.

દરમિયાન અહેવાલો અનુસાર હનીપ્રીત નેપાળમાં દેખાઈ હોવાના સમાચાર મળ્યા છે. અહેવાલોમાં જણાવાયું છે કે હનીપ્રીત નેપાળમાં છે અને પોલીસથી બચવા માટે વારંવાર પોતાનાં લોકેશન બદલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળ પોલીસની મદદથી હનીપ્રીતની ભાળ મેળવવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમ હનીપ્રીત નેપાળ ભાગી ચૂકી છે તે નેપાળના ધરાન-ઈટહરી વિસ્તારમાં દેખાઈ હતી. એવું કહેવાય છે કે હનીપ્રીત મહેન્દ્રનગરના રસ્તે થઈને નેપાળ પહોંચી ગઈ હતી અને કંચનપુર, ઘોરાહીથી થઈને રામ રહીમના કોઈ સિક્રેટ અડ્ડા પર હનીપ્રીતને છુપાવવામાં આવી છે.

You might also like