હોમવર્ક નહીં લઇ જતાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ પકડી લોખંડના સળિયાથી માર માર્યો

અમદાવાદ: ટયૂશન કલાસીસમાં હોમવર્ક નહીં લઇ જવા મામલે વિદ્યાર્થીઓ પર ટયૂશન ટીચર દ્વારા માર મારવાના અસંખ્ય બનાવો બની રહ્યા છે ત્યારે બાપુનગરમાં ટયૂશન શિક્ષકે ધો.૧૦માં ભણતા વિદ્યાર્થીને વાળ પકડીને લોખંડના સળિયાથી માર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોમવર્ક નહીં જઇ જતાં ટીચરે વિદ્યાર્થીને જાતિવાચક શબ્દો બોલી માર માર્યો હતો.

બાપુનગરમાં આવેલ વલ્લભ ફલેટમાં રહેતા પારુલબહેન જાદવે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ટયૂશન શિક્ષક વિરુદ્ધમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પારુલબહેનનો ૧૬ વર્ષનો પુત્ર દેવાંશ ધો.૧૦માં અભ્યાસ કરે છે. દેવાંશ ઓઢવ વિસ્તારમાં આવેલ મલ્લીનાથ પ્રભુ સોસાયટીમાં રહેતા રીતેશ અગ્રવાલ નામના વ્યકિત પાસે ધો.૧૦નું ટયૂશન લે છે. શનિવારના દિવસે દેવાંશ બાપુનગર ઇન્ડિયા કોલોની ખાતે તેના મિત્રના ઘરે ટયૂશન માટે ગયો હતો તે સમયે રીતેશે તેને માર માર્યો હતો. રીતેશે આપેલું હોમવર્ક દેવાંશ નહીં લઇ જતાં તેના પર લોખંડના સળિયાથી માર માર્યો હતો. પારુલબહેને કરેલા આક્ષેપમાં રીતેશે દેવાંશના વાળ પકડી ત્રણ-ચાર લાફા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ તેને જાતિવાચક શબ્દો બોલી સળિયાથી માર્યો હતો. ગઇ કાલે દેવાંશે સમગ્ર હકીકત ઘરે જણાવતાં રીતેશ વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઇ હતી. બાપુનગર પોલીસે રીતેશની ધરપકડ કરીને કેસની તપાસ એસટીએસસી સેલને સોંપી છે.

You might also like