વિઠલાપુરમાં દલિતને ઢોર માર, સમાજમાં લોકો તિરાડ પાડવાનું કૃત્ય કરી રહ્યાં છેઃ પ્રદિપસિંહ

વિઠલાપુરમાં એક દલિત યુવકને ઢોર માર મારવાનાં મામલે રાજ્યનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે. પ્રદિપસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે,”એંદલા ગામનાં દલિત યુવાન પર ચાર દરબાર યુવાનોએ હુમલો કર્યો હતો.

જેને લઈને આ ચાર ઇસમો સામે એટ્રોસીટી અને અપહરણનો ગુનો નોંધી તેને પકડવા માટેની 14 ટીમો બનાવવામાં આવી છે. પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, આ મામલે ઝડપી કાર્યવાહી કરવા માટે પોલીસને કડક સુચના પણ આપવામાં આવી છે.

શિવાનંદ ઝાને આ મામલે સૂચના પણ અપાઈ છે. સમાજમાં આવા કૃત્યો કરવાવાળા સામે કાર્યવાહી પણ કરાશે. સમાજ-સમાજ વચ્ચે વિભાજન માટે કેટલીક ટોળકીઓ પણ સક્રિય થઈ છે.

ઉલ્લેખનીય છે કે વિઠલાપુર ગામે એક દલિત યુવકને ઢોર માર માર્યાનો બે દિવસ પહેલાં વીડિયો વાયરલ થયો હતો. જેમાં દલિત યુવકને ‘દરબાર બનવાનો બહુ શોખ છે?’ તેમ કહીને બે યુવકો તેને ઢોર માર મારી રહ્યાં હતાં. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બે શખ્સો આ દલિતને ફટકારી રહ્યાં છે જ્યારે અન્ય કોઇ ત્રીજો શખ્સ તેનો વીડિયો બનાવી રહ્યો છે.

જ્યારે આ બે શખ્સો તે દલિત યુવકને માર મારી રહ્યાં હતાં ત્યારે તે દલિત માફી માંગતા એમ કહી રહેલ છે કે,”મને છોડી દો બાપુ, હું મરી જઈશ. જો કે તેની પર સહેજ પણ દયા દાખવ્યા વગર આ બંને યુવકો તેને ડંડા વડે ઢોર માર મારી રહ્યાં છે.

ત્યારે મહત્વનું છે કે વિઠલાપુરમાં દલિતને ઢોર માર મારવાનાં મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પીડિત દલિત યુવકને મળવા હું નહીં જાવ, હું મુખ્યમંત્રીને પીડિત પરિવારને મળવા જવા વિનંતી કરું છું. દલિતો માટે દાઢી-મૂછ રાખવી કે ઘોડા પર બેસવું તે હવે ગુન્હા બની ગયાં છે.

મુખ્યમંત્રીને કોઈ જ નિસ્બત નહીં કે દલિતોને ન્યાય મળે. દલિતોને ન્યાય આપવા બાબતે સરકારનું કમીટમેન્ટ પણ નહીં. જાતિવાદી અસ્પૃશ્યતા દૂર કરવા માટે સરકારે કોઇ જ ઇચ્છાશક્તિ ના દર્શાવી. ગુજરાતનાં ગામડાઓમાં હજુ પણ 96 પ્રકારની આભડછેટ છે.

You might also like