હોમ-ઓટો લોન રેટ વધવાની શક્યતા

મુંબઇઃ આગામી માર્ચ કે એપ્રિલ મહિનાથી હોમ લોન તથા ઓટો લોનના વ્યાજના દરમાં વધારો થઇ શકે છે. બેન્ક માર્જિન બચાવવા લોન ઉપરના દરમાં વધારો કરવાની કવાયત હાથ ધરાઇ શકે છે.

નોંધનીય છે કે પાછલા કેટલાક મહિનામાં બોન્ડ યીલ્ડમાં ૧૦૦ બેઝિસ પોઇન્ટનો વધારો થયો છે, જેના પગલે બેન્કો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવાનું વધુ મોંઘું બન્યું છે એટલું જ નહીં, માર્કેટમાં ઋણ લેવાનું વધુ ને વધુ ખર્ચાળ બનતું જાય છે. ખાસ કરીને હાઇ રેટ ધરાવતી કંપનીઓ પણ ફંડ માટે બેન્કો પાસે આવતી હોઇ બેન્કોને રેટ વધારવાનું કામ સરળ થયું છે.

એચડીએફસી બેન્કે તેના એમસીએલઆર-માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લેન્ડિંગ રેટમાં તમામ સમયગાળા માટે ૧૦ બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો છે, જે સંકેત આપે છે કે બેન્કોમાં ધિરાણદર વધવાના છે. એચડીએફસી બેન્ક પહેલાં એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ અને યસ બેન્કે પોતાના એમસીએલઆર રેટમાં પાંચથી દસ બેઝિસ પોઇન્ટ વધાર્યા હતા. હાલ એસબીઆઇના
હોમ લોન રેટ ૮.૩ ટકા છે, જે ચાર વર્ષથી વધુના સમયગાળામાં સૌથી નીચા છે.

એસબીઆઇના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે યીલ્ડમાં આ પ્રકારની વૃદ્ધિના કારણે સરકારના બોરોઇંગ ખર્ચમાં વધારો થશે અને તે નાણાકીય નીતિને અનુસરે છે તેનાથી માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં વધારો થવાનું દબાણ વધશે. દરમિયાન કેટલીક બેન્કોએ મોટી રકમની ડિપોઝિટના રેટ વધારવાનું શરૂ કર્યું છે, જેના કારણે આ સંકેત વધુ મજબૂત બન્યાે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મળેલી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી બેઠકમાં ક્રૂડના વધતા ભાવ તથા એગ્રિ કોમોડિટીના ભાવ વધવાની શક્યતાઓના પગલે ફુગાવો વધવાની પણ ચિંતા વ્યક્ત કરી હતી. એટલું જ નહીં વ્યાજદર યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.

You might also like