પોલીસને હપ્તા આપુ છું અને તેનો પકડેલો દારૂ જ વેચું છું : બુટલેગર

બહુચરાજી : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનાં અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં શુક્રવારે ગૃહમંત્રીનાં ગઢ બહુચરાજીમાં જનતારેડ કરવામાં આવી હતી. જેમાં કુખ્યાત મહિલા બુટલેગર મામીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે મામીએ જાહેરમાં કબુલ્યું હતું કે પોલીસને હપ્તા આપુ છું અને પોલીસ દરોડા પાડીને જે દારૂ પકડે છે તે જ પોલીસ પાસેથી ખરીદીને વેપાર કરૂ છું. મહિલા બુટલેગરની આ કબુલાતનાં પગલે પોલીસ શરમજનક પરિસ્થિતીમાં મુકાઇ હતી. આ મીલીભગતની ખુલ્લી કબુલાત બાદ પોલીસ બેડામાં ખળભળાટ થઇ ગયો છે.

બીજી તરફ જનતારેડ થવાની હોઇ પોલીસ દ્વારા એક પછી એક દરોડા પાડવામાં આવ્યા હતા. જેનાં કારણે બહુચરાજી અને આસપાસનાં વિસ્તારોમાં દારૂનાં અડ્ડા બંધ થઇ ગયા હતા. જો કે અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રીનાં રાજીનામાની માંગ સાથે જણાવ્યું કે સામાજિક દૂષણો ડામવા તે સરકારનું કામ છે. ત્યારે ગૃહમંત્રીનાં મતવિસ્તારમાં જ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જો તે પોતાનાં ગામમાં જ દારૂ બંધ ન કરાવી શકતા હોય તો પછી ગુજરાત તો તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકે.

યાત્રાધામોની પવિત્રતા જળવાઇ રહે તે માટે બહુચરાજીથી જનતારેડનો બીજો તબક્કો બહુચરાજીથી ચાલુ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં અન્યયાત્રાધામોને પણ ઠાકોર સેના દ્વારા પવિત્ર કરવામાં આવશે. ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મુખ્યમંત્રીને રૂબરૂ મળી 20 દિવસમાં દારૂનાં અડ્ડાઓ બંધ કરાવવા તેમજ દારૂબંધીનો કડક અમલ કરવા માટે જણાવાયું હતું. જો કે સરકારે આ મુદ્દે કોઇ જ કાર્યવાહી કરી નથી. સરકારને રાજ્યનાં લોકોની કોઇ ચિંતા હોય તેવું નથી લાગી રહ્યું.

You might also like