પાક. સાથે ક્રિકેટ સંબંધો પર હોકી ઇન્ડિયા પ્રમુખ ગિન્નાયા

નવી દિલ્હીઃ હોકી ઇન્ડિયાના પ્રમુખ નરેન્દ્ર બત્રાએ બીસીસીઆઇને પાકિસ્તાન સાથે ફરીથી ક્રિકેટ સંબંધ એ સમયે શરૂ કરવા માટે ફટકાર લગાવી છે, જ્યારે દેશના સૈનિકો પોતાની જવાબદારી નિભાવતા શહીદ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ શ્રીલંકામાં પાકિસ્તાન સામે રમવા માટે મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.  બત્રાએ કહ્યું, ”થોડા દિવસ પહેલાં કર્નલ સંતોષ મહાદિક શહીદ થયા અને બીસીસીઆઇ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા ઇચ્છે છે. હું બીસીસીઆઇના વલણમાં આવેલા ફેરફારથી પરેશાન છું. જુલાઈમાં પણ બીસીસીઆઇનું વલણ કંઈક અલગ હતું અને અનુરાગ ઠાકુરે આતંકવાદ ના અટકે ત્યાં સુધી પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધનો ઇનકાર કર્યો હતો. હવે બીસીઆઇમાં નેતૃત્વ બદલાયા બાદ બીસીસીઆઇનું વલણ બદલાયું છે.”

બત્રાએ ક્રિકેટ બોર્ડને સમગ્ર દેશની જનતાની લાગણીઓ પર નાણાકીય ફાયદાને પસંદ કરવા બદલ દોષી ઠેરવ્યું. તેણે કહ્યું, ”આ મામલો નાણાં સાથે જોડાયેલો છે, પરંતુ આવા સમયમાં તમારે નાણાકીય ફાયદાને ધ્યાનમાં ના લેવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે હોકી ઇન્ડિયાને નાણાંની જરૂર બીસીસીઆઇ કરતાં વધુ છે, પરંતુ અમે સરહદ પારના આતંકવાદને જોઈને ૨૦૧૨માં જ પાકિસ્તાન સાથેનો સંમતિપત્ર રદ કરી દીધો હતો.”

You might also like