HIL: ૬૭ લાખમાં વેચાયો ગેરશિસ્તને કારણે ભારતીય ટીમની બહાર રહેલો ગુરબાઝ

નવી દિલ્હીઃ ગેરશિસ્તના કારણે એક વર્ષથી રાષ્ટ્રીય ટીમમાંથી બહાર રહેલાે અનુભવી મિડ ફિલ્ડર ગુરબાઝસિંહ હોકી ઇન્ડિયા લીગ (એચઆઇએલ) ૨૦૧૭ની ખાનગી હરાજીમાં સૌથી મોંઘા ભાવે વેચાયો છે. ગુરબાઝને ૨૦૧૫ની ચેમ્પિયન ફ્રેંચાઇઝી રાંચી રેઝે ૯૯,૦૦૦ (લગભગ ૬૭ લાખ રૂપિયા)માં ખરીદ્યો છે. ગુરબાઝ પર હોકી ઇન્ડિયાએ ઓગસ્ટ ૨૦૧૫માં નવ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના પર બેલ્ઝિયમમાં હોકી વિશ્વ લીગ સેમિફાઇનલમાં ટીમમાં જૂથબાજી કરવાનો આરોપ લાગ્યો હતો.

વિદેશી ખેલાડીઓમાં જર્મન ફોરવર્ડ ક્રિસ્ટોફર રૂર ૭૫,૦૦૦ ડોલર (લગભગ ૪૫ લાખ રૂપિયા)માં વેચાયો. તેને પણ રાંચી રેઝે ખરીદી લીધો હતો. ટોમ ક્રેગને કાલિંગા લાન્સર્સે, રોબર્ટ વાન ડેર હોર્સ્ટને પંજાબ વોરિયર્સે અને સેવે વાન આસને યુપી વિઝાર્ડ્સે ખરીદ્યો. યુવા ખેલાડીઓમાં ૧૮ વર્ષીય હાર્દિકસિંહને પંજાબ વોરિયર્સે ૩૯,૦૦૦ ડોલર (લગભગ ૨૬ લાખ રૂપિયા)માં ખરીદ્યો, જ્યારે શમશેરસિંહ અને અજય યાદવને યુપી વિઝાર્ડ્સે અને ભારતના અંડર ૧૭ એશિયા કપ વિજેતા કેપ્ટન નીલમ સંજીવ સેસને કલિંગા લાન્સર્સે ખરીદ્યો હતો.

HIL-૨૦૧૭ની હરાજીમાં છ ફ્રેન્ચાઇઝી સામેલ હતી, જેમાં દબંગ મુંબઈ, દિલ્હી વેવરાઇડર્સ, પંજાબ વોરિયર્સ, કલિંગા સાન્સર્સ, રાંચી રેઝ અને યુપી વિઝાર્ડ્સ સામેલ છે. હરાજી પ્રક્રિયા અંગે FIHના નવા ચૂંટાયેલા અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ કહ્યું, ”હું વિશ્વ રેન્કિંગમાં ભારતીય હોકીની પ્રગતિમાં હોકી ઇન્ડિયા લીગના યોગદાન પર ભાર મૂકું છું. ”

You might also like