લંડનમાં વિવાદ વચ્ચે ભારતીય હોકી ટીમે સિલ્વર મેડલ અને કરોડો દિલ જીતી લીધાં

લંડનઃ આજથી ચાર વર્ષ પહેલાં એ જ લંડન શહેર હતું, જ્યાં ઓલિમ્પિક દરમિયાન ભારતીય હોકી ટીમે શરમજનક પ્રદર્શન કર્યું હતું અને તે સતત છ મેચ હારીને છેલ્લા સ્થાને રહી હતી. એ ભારતીય હોકી ઇતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન હતું, પરંતુ ગઈ કાલે એ જ લંડનમાં ભારતે હારીને પણ નવો ઇતિહાસ લખ્યો, કારણ કે તે પહેલી વાર સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી.

ગઈ કાલે જ્યારે ભારતમાં મોટા ભાગનાં લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પહેલાં ૦-૦થી ડ્રો પર રોક્યું, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારત ૩-૧થી હારી ગયું, જે દરમિયાન એક મોટો વિવાદે પણ જન્મ લીધો. ખેર ભારત હારી જરૂર ગયું, પરંતુ ઓલિમ્પિક પહેલાં તેણે કરોડો દિલ જીતી લીધાં. આ પહેલાં ભારતે ૧૯૮૨માં આ ટૂર્નામેન્ટનો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ ટૂર્નામેન્ટનો ખિતાબ ૧૪મી વાર જીતી લીધો છે.

પહેલો હાફ
પહેલાે ક્વાર્ટર શરૂ થતાં પહેલી જ મિનિટમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ તેઓ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ રેફરીએ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ પેનલ્ટી કોર્નર આપ્યા, પરંતુ ભારતીય કેપ્ટન અને ગોલકીપર શ્રીજેશ અને ડિફેન્ડરોના શાનદાર પ્રદર્શનના દમ પર એમાંથી એક પણ ગોલ ઓસ્ટ્રેલિયા કરી શક્યું નહીં. ત્યાર બાદ ભારતને એક પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ ભારતીયો ગોલ કરવાની તક ઝડપી શક્યા નહીં.

ત્યાર બાદ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં લગભગ સવા મિનિટ પછી ઓસ્ટ્રેલિયાને એક પેનલ્ટી સ્ટોક મળ્યો અને એ સમયે એવું લાગી રહ્યું હતું કે હવે ઓસ્ટ્રેલિયાની ટીમ સરસાઈ હાંસલ કરી લેશે, પરંતુ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ આ શોટને ગોલપોસ્ટથી ઘણે દૂર ફટકાર્યો અને મળેલી આસાન તક ગુમાવી દીધી. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ગોલકીપર શ્રીજેશે કાંગારુંઓને નિરાશ કર્યાં દીધાં.

બીજો હાફ
બીજા હાફમાં ફરી એક વાર ભારતે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમની જોરદાર પરીક્ષા લીધી. બીજો હાફ શરૂ થયાની થોડી જ સેકન્ડમાં ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ આજે ભારતીય ગોલકીપર અને ડિફેન્સ જ તૈયારી સાથે મેદાનમાં ઊતર્યા હતા. એ તક પણ ઓસ્ટ્રેલિયાએ ગુમાવી દીધી હતી. મેચની અંતિમ ૧૫ મિનિટની રમતની શરૂઆત રોમાંચક રીતે થઈ. લંડનના વેલી પાર્કના આ મેદાનમાં મોટી સંખ્યામાં ભારતીય ચાહકો પોતાની ટીમનું સમર્થન કરવા પહોંચ્યા હતા. ત્રીજો ક્વાર્ટર શરૂ થતાં જ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ડોસનને યલો કાર્ડ દેખાડવામાં આ‍વ્યું અને તેણે ૧૦ મિનિટ માટે મેદાનની બહાર જવું પડ્યું. ત્યાર પછીની કેટલીક મિનિટો સુધી ભારતીય ખેલાડીઓએ એક પણ ગોલ થવા દીધો નહોતો અને મેચ ૦-૦થી ડ્રો રહેતા પેનલ્ટી શૂટમાં ચાલી ગઈ હતી.

પેનલ્ટી શૂટઆઉટમાં વિવાદઃ ભારતે ફરિયાદ નોંધાવી
પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન બીજી પેનલ્ટીમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી ગોલ કરવા માટે આગળ વધ્યો, પરંતુ શ્રીજેશ ગોલ રોકવા દરમિયાન જમીન પર બેસી ગયો અને બોલ તેના પગની વચ્ચે અટકી ગયો. કાંગારું ખેલાડીએ ઘણી કોશિશ કરી, પરંતુ તે ગોલ કરવાથી ચૂકી ગયો. ત્યાર બાદ તેણે ગોલકીપર દ્વારા ઓબ્સટ્રક્શનનો દાવો કર્યો અને ટીવી રિપ્લેની માગણી કરી. અસલમાં ભારતનો દાવો એ હતો કે બોલ શ્રીજેશના પગ વચ્ચે આવે, સમગ્ર પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન આઠ સેકન્ડનો નિર્ધારિત સમય પસાર થઈ ઘયો હતો, જે ખેલાડી પાસે ગોલ કરવા માટે હોય છે. ઓસ્ટ્રેલિયાએ ટીવી રિપ્લેની માગણી કરી અને ટીવી અમ્પાયરે ભારતનો ફાઉલ જાહેર કરતાં ઓસ્ટ્રેલિયાને વધુ એક તક આપી દીધી. બીજી તકમાં ઓસ્ટ્રેલિયાએ ગોલ કરી દીધો. આ બાબતે ભારત તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આયોજકોએ બધાને ચોંકાવતાં આખું સ્ટેડિયમ ખાલી કરાવવાનો આદેશ આપ્યો અને લગભગ એક કલાક બાદ મીડિયા રૂમમાં ઓસ્ટ્રેલિયન ટીમને વિજેતા જાહેર કરીને ટ્રોફી ઓસ્ટ્રેલિયનોના હાથમાં પકડાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાને ૧૦ પેનલ્ટી કોર્નર મળ્યા
ઓસ્ટ્રેલિયાને ૧૦ પેનલ્ટી કોર્નર અને એક પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો, પરંતુ કાંગારુંઓ તેમાંથી એક પણ ગોલ કરી શક્યા નહીં. આનો શ્રેય ભારતીય ગોલકીપર અને કેપ્ટન શ્રીજેશને જાય છે કે જે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સામે દીવાલની જેમ ઊભો રહ્યો હતો અને એક પણ ગોલ થવા દીધો નહોતો.

જર્મનીને બ્રોન્ઝ મેડલ મળ્યો
ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં જર્મનીએ બ્રિટનને ૧-૦થી હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કરી લીધો. જર્મની તરફથી મેચનો એકમાત્ર ગોલ માર્કો મિલ્તકાઉએ ૪૦મી મિનિટમાં કર્યો. વિશ્વની પાંચમા નંબરની ટીમ બેલ્જિયમે બે ગોલથી પાછળ રહ્યા બાદ જબરદસ્ત વાપસી કરતા નવમા નંબરની કોરિયન ટીમને ૪-૩થી હરાવીને પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું.

You might also like