મેરઠમાં ‘કાશ્મીરી વિદ્યાર્થીઓ UP છોડે’નાં પોસ્ટર લાગ્યાં

નવી દિલ્હી: કાશ્મીરના યુવાનો દ્વારા ભારતીય સુરક્ષા દળો પર સતત થઈ રહેલા પથ્થરમારાની આગ અને અસર હવે દેશના બીજા ભાગો સુધી ફેલાઈ ચૂકી છે. રાજસ્થાનના ચિત્તોડગઢની મેવાડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક કાશ્મીરી વિદ્યાર્થીઓની સ્થાનિક લોકોએ મારપીટ કરી હતી, જેમાં છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

બીજી બાજુ ઉત્તર પ્રદેશના મેરઠમાં કાશ્મીરી વિદ્યાર્થીઓનો બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે, એટલું જ નહીં ઠેર ઠેર પોસ્ટર લગાવીને કાશ્મીરીઓને મેરઠ છોડી જવાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેના નામના એક સંગઠન દ્વારા મેરઠ-દહેરાદૂન હાઈવે પર મોટાં મોટાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે. ૩૦ એપ્રિલ બાદ ઉત્તર પ્રદેશમાં કાશ્મીરીઓ પર હુમલો કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

રાજસ્થાનની મેવાડ યુનિ.માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓની કેટલાક સ્થાનિક લોકોએ મારપીટ કરી હતી, જેમાં છ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એક કાશ્મીરી વિદ્યાર્થીએ આવી જાણકારી આપી હતી.  પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે આ વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું હતું કે ગંગરાર ટાઉન નજીક ઓછામાં ઓછા નવ કાશ્મીરી વિદ્યાર્થીઓની લાકડીઓ અને બેટથી મારપીટ કરવામાં આવી હતી. કાશ્મીરી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં ૨૫૦ જેટલા કાશ્મીર વિદ્યાર્થીઓએ વિરોધ દેખાવ કર્યા હતા અને કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધમાં રાત્રીભોજનનો ત્યાગ કર્યો હતો.

ઉત્તર પ્રદેશ નવનિર્માણ સેનાએ જણાવ્યું હતું કે અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓમાં એવા લોકો છે, જેમના પરિવાર કાશ્મીરમાં ભારતીય સેનાનો વિરોધ કરી રહ્યા છે. અહીં તેમના પરિવારોને પરેશાની થશે તો જ કાશ્મીરમાં પથ્થરમારો કરનારાં તત્ત્વોને પાઠ ભણવા મળશે. આ સંગઠનના અધ્યક્ષ અિમત જાનીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કાશ્મીરીઓ ૩૦ એપ્રિલ સુધીમાં ઉત્તર પ્રદેશ ખાલી કરીને જતા રહે, નહીંતર અહીંથી તેમનાં માત્ર હાડકાં કાશ્મીર પરત જશે.

તેમણે મેરઠના લોકોને એવી પણ અપીલ કરી છે કે કાશ્મીરીઓને મકાન ભાડે આપવામાં ન આવે અને દુકાનદારો તેમને કોઈ ચીજવસ્તુઓનું વેચાણ કરે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમે ભારતીય સેના પ્રત્યે લોકોમાં સંવેદના અને હમદર્દી લાવવા માગીએ છીએ.
http://sambhaavnews.com/

You might also like