અનંતનાગમાં એક વધુ આતંકી ઠારઃ સાત મહિનામાં ૧ર૦થી વધુ આતંકીઓનો ખાતમો

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગના બીજબહેરા વિસ્તારમાં આવેલા ખંજરબલ ખાતે સુરક્ષા દળો અનેે આતંકીઓ વચ્ચે થયેેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકી ઠાર મરાયો હતો. આ આતંકી પાસેથી એકે એસએલઆર રાઇફલ, ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ, ૪૦ રાઉન્ડ કારતૂસ સહિતના મોટા પ્રમાણમાં શસ્ત્રો મળી આવ્યાં હતાં.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બીજબહેરા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાના ઇનપુટ મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ આતંકીને ઝડપવા માટે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ જવાનોએ મોરચો સંભાળીને વળતી કાર્યવાહી કરી હતી અને આ કાર્યવાહીમાં જવાનોએ ઘરમાં છુપાયેલા આ આતંકીને ઠાર માર્યો હતો.

ગઇ કાલે મોડી સાંજે પોલીસ અને સીઆરપીએફને મળેલી પાકી બાતમીના આધારે કાસો એટલે કે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન એક ઘરમાંથી જ્યારે ફાયરિંગ થયું ત્યારે સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો હતો. જેમાં હિઝબુલનો એક આતંકી ઠાર મરાયો હતો અને સેનાનો એક જવાન જખમી થયો હતો.

એવી પણ જાણકારી મળી છે કે રાતના અંધારાનો લાભ લઇને બે આતંકીઓ ફરાર થઇ ગયા હતા. આ આતંકી અનંતનાગમાં રહેતો સ્થાનિક આતંકી જ હતો. તે હજુ દસ દિવસ પહેલાં જ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દ‌િક્ષણ કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યું છે. છેલ્લા સાતેક મહિનામાં ૧ર૦ કરતાં વધુ આતંકીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like