ટેરર ફંડિંગ મામલે આતંકી સૈયદ સલાહુદ્દીનનાં પુત્રની ધરપકડ

જમ્મુ-કશ્મીરઃ હિઝબુલ મુઝાહિદ્દીનનાં આતંકી ચીફ સૈયદ સલાહુદ્દીનનાં પુત્ર શાહીદ યુસૂફની 2011 હવાલા ફંડિંગ કેસમાં NIAએ ધરપકડ કરી લીધી છે. સુરક્ષા દળોની આ મોટી સફળતા ગણવામાં આવી રહી છે. તેનાં પર એવો આરોપ છે કે શાહિદે સાઉદી અરબમાં રહેતા હિઝબુલ આતંકી એજાઝ અહમદ ભટ્ટ સાથે ઇન્ટરનેશનલ વાયરનાં માધ્યમ દ્વારા પૈસાની લેણ-દેણ કરી છે.

સૈયદ સલાહુદ્દીનનો પુત્ર જમ્મુ સરકારનાં કૃષિ વિભાગમાં જૂનિયર એન્જીનીયર છે. પાછલા કેટલાંક દિવસથી સુરક્ષા એજન્સીઓ આતંકીઓનાં સંબંધીઓ અને હવાલા દ્વારા તેમને પૈસા પહોંચાડવા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. સલાહુદ્દીને બે લગ્ન કર્યા છે. જેમાં શાહિદ યુસૂફ તેની પ્રથમ પત્નીનો પુત્ર છે અને હિઝબુલ ચીફ પોતાની બીજી પત્ની સાથે પાકિસ્તાનમાં રહે છે. આ વર્ષે યૂનાઇટેડ નેશન્સ તરફથી સલાહુદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો છે.

You might also like