ચેપમુક્ત બાળકોને જન્મ આપતી HIV+ માતાઓ

સામાન્ય રીતે એચઆઈવીગ્રસ્ત દંપતીનું બાળક પણ એચઆઈવી પોઝિટિવ જન્મતું હોય છે, પરંતુ મુંબઈનાં એક દંપતીને એઈડ્સ હોવા છતાં તેમનું બાળક એચઆઈવી નેગેટિવ જન્મ્યું હતું. એઈડ્સ હોવાથી બાળક ચેપગ્રસ્ત જન્મશે તેવા ભયે આ દંપતીએ શરૂઆતમાં બે વખત એબોર્શન કરાવી દીધું હતું. જોકે ત્રીજી વાર હિંમત કરીને બાળકીને જન્મ આપ્યો હતો અને સૌનાં આશ્ચર્ય વચ્ચે આ બાળકી એચઆઈવી નેગેટિવ જન્મી હતી.

બાળકીનું નામ પરી છે અને હાલ તે ૧પ-૧૬ વર્ષની છે. તે ભણવામાં હોશિયાર છે અને હાલમાં જ દસમા ધોરણની પરીક્ષા આપીને સારા ગુણે ઉત્તીર્ણ થઈ છે. પરીની શૈક્ષણિક સફરની જેમ જ તેનાં માતા-પિતા પણ જિંદગીની સફરમાં પાસ થયાં છે, કારણ કે તેમને મુંબઈની જે. જે. હોસ્પિટલનાં ડૉ. રેખા દાવરનો પણ સહયોગ હતો.

ડૉ. રેખા દાવર કહે છે, “પરી અને તેનાં માતા-પિતા આજે પણ રેગ્યુલર ચેકઅપ અને દવા લેવા અહીં આવતાં રહે છે. પરીને આ બધી વાત અંગેની જાણ છે. તેઓ રાયગઢ જિલ્લાના પેણ ગામનાં વતની છે, પરંતુ ત્યાં કોઈને તેમની આ સ્થિતિ અંગેની જાણ નથી. હાલ તેઓ સામાન્ય જીવન જીવી રહ્યાં છે. જોકે આ મુકામ સુધી પહોંચવું આસાન નહોતું. આ માટે અમારી ટીમનો આટલાં વર્ષોનો પ્રયાસ, સંઘર્ષ અને અભ્યાસ પણ મહત્ત્વનો છે.”

ડૉ. દાવર મુળ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાનાં વતની છે. ૧૯૮૬થી ૧૯૮૯ સુધી તેમણે અમેરિકામાં પ્રેક્ટિસ કરી છે. તેઓ અમેરિકન સિટીઝનશિપ એટલે કે ગ્રીનકાર્ડ પણ ધરાવે છે, પરંતુ માતૃભૂમિની ચાહત તેમને ફરીથી અહીં ખેંચી લાવી અને છેલ્લાં ર૪ વર્ષથી તેઓ જે.જે. હોસ્પિટલમાં કામ કરી રહ્યાં છે. તેઓ કહે છે, “કોઈના શરીરમાં એચઆઈવીનો વાઇરસ જાય એટલે તે એચઆઈવીગ્રસ્ત થઈ જાય છે. જેનાં લક્ષણ તરત દેખાતાં નથી, પરંતુ ધીરેધીરે તે વ્યક્તિની તબિયત બગડતી જાય છે.

તેનામાં કેટલીક બીમારીનાં લક્ષણો દેખાય છે, જે ઈમ્યુનિટી ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઈડ્સ તરીકે ઓળખાય છે. એઈડ્સનો સો ટકા ઈલાજ આજ સુધી શોધાયો નથી. કોઈ દર્દીને એઈડ્સ હોવાનું જણાય ત્યારે તેને એન્ટિ રિટ્રોવાઇરલ ડ્રગ્ઝ અપાય છે, જેથી તે થોડાંક વધુ વર્ષો જીવી શકે છે.” નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો) દ્વારા એઈડ્સ અટકાવવા માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ સરકાર ચલાવી રહી છે. નાકોનું પ્રથમ એન્ટિ રિટ્રોવાઇરલ ટેસ્ટ (એઆરટી) સેન્ટર જે.જે. હોસ્પિટલમાં ર૦૦૪માં શરૂ કરવામાં આવ્યું હતું. જોકે તે પહેલાંથી એઈડ્સગ્રસ્ત માતાઓ ડૉ. ડાવર પાસે આવી રહી હતી અને ડૉ. ડાવરે જ નાકોનો સંપર્ક કર્યો હતો.

ર૦૦૦માં નાકો તરફથી દસ મેડિકલ કૉલેજમાં પ્રોજેક્ટ શરૂ કરાયા. પ્રોજેક્ટની સફળતા બાદ જે-તે કૉલેજમાં કાયમી ધોરણે પ્રોગ્રામ શરૂ કરાયા. જે અંતર્ગત એઈડ્સગ્રસ્ત ગર્ભવતી માતાઓને ડિલિવરી પહેલાં એક ગોળી આપવામાં આવતી. જેનાથી જન્મનાર બાળકોમાં એચઆઈવી પોઝિટિવ હોવાની આશંકા ખાસ્સી ઘટી ગઈ. ર૦૦૩માં જે.જે. હોસ્પિટલમાં સફળતાપૂર્વક ચાલતાં આ પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઈલ્ડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટને કાયમી પ્રોગ્રામમાં ફેરવી દેવાયો અને ર૦૦૪માં એઆરટી સેન્ટર પણ શરૂ થઈ ગયું. ડૉ. રેખા દાવરના નેતૃત્વમાં એઈડ્સ કંટ્રોલ મિશન ચાલતું રહ્યું, પરંતુ તેમની ચિંતા કંઈક જુદી જ હતી.

ગોળી આપવાથી પ્રેગનન્ટ માતાના બાળકને એચઆઈવી હોવાની આશંકા ઘટી ચોક્કસ હતી, પરંતુ તે બાબત ખતરનાક તો હતી જ. બાળકના જન્મ બાદ દોઢ મહિને, છ મહિને અને દોઢ વર્ષ સુધી એઆરટી કરવામાં આવતો હતો અને ત્યાં સુધી માતા-પિતા અને ડૉક્ટર્સ પણ સતત ચિંતામાં રહેતાં હતાં, કારણ કે આવા બાળકમાં થોડીક પણ એચઆઈવીની અસર રહી જાય તો તેની જિંદગીનું શું? આથી જ ડૉ.દાવર અને તેમના સાથીઓએ નાકો મારફત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (હૂ) દ્વારા ચલાવાતાં બી-(બી પોઝિટિવ) પ્રોગ્રામની માગણી કરીને તેને જે.જે. હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો. જેમાં વિદેશ જેવા ઉપચારની સાથે માતાને ત્રણ ગોળી અને બાળકને એક ડૉઝ આપવાની શરૂઆત થઈ. એ પછી ત્રણેય ગોળી મેળવીને એક ગોળી ટીએલઈ આપવાની શરૂઆત કરાઈ. આ પદ્ધતિથી માતાની પ્રતિકારકશક્તિ સારી રહેવા લાગી અને તે બાળકને સ્તનપાન પણ કરાવી શકતી. આ પદ્ધતિથી બાળક એચઆઈવીગ્રસ્ત જન્મવાની શક્યતાઓ વધુ ઘટી.

ર૦૧૪માં જે.જે. હોસ્પિટલમાં ૧૦૦ માતા અને તેમનાં બાળકો પર બી પોઝિટિવ પ્રોગ્રામની એટલી અસર થઈ કે સોમાંથી સો બાળકો બી નેગેટિવ જન્મ્યાં. ડૉ.દાવર કહે છે, “આ એક મોટી જીત છે, જે ક્યારેય ભુલાય એમ નથી. હવે એચઆઈવીગ્રસ્ત માતાઓને ટીએલઈ ટેબ્લેટ જ આપવામાં આવે છે, જેથી તેમનાં બાળકો નોર્મલ જન્મી રહ્યાં છે.

છેલ્લાં ૧પ વર્ષમાં જે.જે. હોસ્પિટલમાં ૧ર૦૦ એચઆઈવીગ્રસ્ત માતાઓની ડિલિવરી થઈ છે. પહેલાં પરિણામ ૧૦થી ૧પ ટકા મળતું હતું, હવે ૧૦૦ ટકા પરિણામ મળી રહ્યું છે, જે એક ક્રાંતિ સમાન છે.”આજે ડૉ. રેખા દાવર નાકોની એક સમિતિમાં પણ કાર્યરત છે. તેમને ઘણાં સન્માન પણ મળ્યાં છે. તેઓ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશની મેડિકલ કૉલેજોમાં વર્કશોપ પણ લઈ રહ્યાં છે અને તેઓ હજુ પણ કાર્યરત છે.

લતિકા સુમન

You might also like