મતદાનના આગલા દિવસથી શહેરમાં હીટવેવ શરૂ થશે

લોકસભા ચૂંટણી માટે ગઇ કાલે બીજા તબક્કાનું મતદાન યોજાયા બાદ હવે ગુજરાતની તમામ ર૬ બેઠકને આવરી લેતા ત્રીજા તબક્કાનું મતદાન આગામી મંગળવાર તા.ર૩ એપ્રિલે થશે. ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્ર, બિહાર, કેરળ સહિતનાં ૧૩ રાજ્ય અને દીવ-દમણ દાદરા-નગરહવેલી સહિતની કુલ ૧૧પ બેઠક પર મતદાન યોજાશે, જોકે રાજ્યમાં ઇલેક્શનના આગલા દિવસથી હીટવેવ શરૂ થવાનું હોઇ અમદાવાદ પૂર્વ, પશ્ચિમ અને ગાંધીનગર એમ ત્રણ બેઠક માટે ઉમેદવાર ચૂંટી કાઢવા અમદાવાદીઓને કાળઝાળ ગરમી સહેવી પડશે.

અમદાવાદ (પશ્ચિમ) બેઠકમાં તમામ સાતે સાત શહેરના વિધાનસભા વિસ્તાર છે જ્યારે અમદાવાદ (પૂર્વ)માં દહેગામ અને ગાંધીનગર દ‌િક્ષણ છોડીને પાંચ શહેરના વિધાનસભા વિસ્તાર છે, પરંતુ ગાંધીનગર બેઠકમાં કુલ સાત પૈકી ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી એમ શહેરના કુલ ચાર વિધાનસભા વિસ્તાર છે. આ ત્રણેય બેઠક માટે શહેર-જિલ્લાના કુલ પ૪.૯પ લાખથી વધુ મતદાર આગામી તા.ર૩ એપ્રિલે મતદાન કરશે.

જોકે મતદાનના આગલા દિવસથી એટલે કે સોમવાર તા.રર એપ્રિલથી રાજ્યમાં હીટવેવ શરૂ થવાનું છે. આજે તો શહેરમાં ગરમીનો પારો ૩૯ ડિગ્રીએ રહેશે અને શનિવાર-રવિવારના વીકએન્ડમાં પણ ગરમીનું પ્રમાણ ૪૧ અને ૪ર વચ્ચે રહેશે, પરંતુ સોમવારે ગરમીની તીવ્રતામાં વૃદ્ધિ થઇને ૪૩ ડિગ્રીએ મહત્તમ તાપમાન નોંધાશે. સોમવારથી હીટવેવનો પ્રારંભ થનાર હોઇ તેના બીજા દિવસ એટલે કે મંગળવાર તા.ર૩ એપ્રિલે શહેરીજનોને ૪૪ ડિગ્રી કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે.

અમદાવાદીઓને સોમવાર તા.રર એપ્રિલથી છેક રવિવાર તા.ર૮ એપ્રિલ સુધી ભીષણ ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે તેમ પણ જાણકાર સૂત્રો વધુમાં જણાવે છે.

You might also like