હિટ એન્ડ રન કેસમાં સલમાન આરોપમુકત

મુંબઇ : અભિનેતા સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં ૧૩ વર્ષ બાદ આજે બોમ્બે હાઇકોર્ટે એક મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે સલમાન ખાનને તમામ આરોપોમાંથી મુકત કરી દીધો છે. આ મામલાની દલીલો સાંભળ્યા બાદ ફેંસલો લખતી વખતે કહ્યુ હતુ કે, જે પુરાવાઓ રજુ થયા છે તે પુરતા નથી. આ પુરાવાઓના આધારે સલમાન ખાનને દોષિત ઠેરવી ન શકાય. આજે ફેંસલા વખતે સલમાન ખાન કોર્ટમાં હાજર હતો.

ત્રણ દિવસથી લખાતા ફેંસલામાં બોમ્બે હાઇકોર્ટે કહ્યુ છે કે, ફરિયાદી પક્ષ એ બાબતની પુષ્ટિ કરવામાં નિષ્ફળ નિવડયો છે કે, સલમાન ખાને દારૂ પીધો હતો અને અકસ્માત વખતે તે જ ગાડી ચલાવતો હતો. કોર્ટે કહ્યુ છે કે,પુરાવાઓના આધારે સલમાનને સજા સંભવ નથી. કોર્ટે આ મામલાની સુનાવણી કરતા સલમાનના વકીલની એ દલીલને માની નહોતી કે જેમાં જણાવાયુ હતુ કે, નુરૂલ્લાહનું મોત ક્રેન સાથે કાર ઉઠાવતી વખતે થયુ હતુ.

કોર્ટે કહ્યું હતું કે, નુરૂલ્લાહનું મોત માર્ગ અકસ્માતમાં થયુ હતુ. કોર્ટે કહ્યુ હતુ કે, સલમાને રપ,૦૦૦નો બોન્ડ ભરવો પડશે. આ પહેલા આજે સવારે કાર્યવાહી દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે, ફેંસલા દરમિયાન અપીલકર્તા આરોપીની હાજરી જરૂરી છે તે પછી પોલીસે કોર્ટમાં સલમાનને બોલાવવાની વ્યવસ્થા કરી હતી. શુટીંગમાં વ્યસ્ત સલમાન દોઢ વાગ્યે પહોંચ્યો હતો. જસ્ટીસ જોશીએ કહ્યુ હતુ કે, મામલાની સુનાવણી ખોટી રીતે કરવામાં આવી છે.

તેમણે એમ પણ કહ્યુ હતુ કે, સેશન્સ કોર્ટમાં મામલાની સુનાવણીમાં સ્થિતિ સ્થાપક વલણ રહ્યુ અને ફરિયાદી પક્ષ આરોપોને યોગ્ય રીતે સાબીત કરવામાં નિષ્ફળ રહ્યુ. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે કોર્ટે ફેંસલો લખવાનું શરૂ કર્યુ હતુ. કોર્ટે એમ પણ કહ્યુ હતુ કે, પોલીસે ઉતાવળમાં યોગ્ય તપાસ નથી કરી. કોર્ટે કહ્યુ હતુ કે, જે પુરાવાઓ પોલીસે રજુ કર્યા છે તેનાથી સલમાનને દોષિત ઠેરવી ન શકાય.
અત્રે એ નોંધનીય છે કે, આ કેસમાંસેશન્સ કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા કરી હતી.

જેને સલમાને પડકારી હતી. આ મામલો ર૦૦રનો હિટ એન્ડ રન કેસનો હતો. કોર્ટે બ્લડ સેમ્પલ લેવાથી માંડીને તેને લઇ જવા, જાળવવા અને આલ્કોહોલની મોજુદગીની તપાસ સુધીની ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો. જસ્ટીસે કહ્યુ હતુ કે, વિસંગતીઓ અને ગાયબ મહત્વના જૈવિક પુરાવાઓને કારણે શંકા ઉભી થાય છે.

તેમણે કહ્યુ હતુ કે, એ નવાઇની વાત છે કે, કારની સ્પીડ એટલી ઝડપી હતી કે તેને જેડબલ્યુ મેરિયોટથી ઘટનાસ્થળ સુધી પહોંચવામાં ૩૦ મિનિટ લાગે. આનો મતલબ છે કે, કારની સ્પીડને લઇને રવિન્દ્રનું નિવેદન યોગ્ય નથી કારણ કે રસ્તામાં સ્પીડ બ્રેકર પણ હતા. રવિન્દ્ર પાટિલનું મોત થઇ ચુકયુ છે.

You might also like