સ્કૂટર પર જતા દંપતીને ટ્રકે ઉડાવ્યુંઃ શિક્ષિકા ૧૫ ફૂટ ઘસડાયાં

અમદાવાદ: અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સુખરામનગરમાં વહેલી સવારે ટ્રકચાલકે એક્ટિવા પર જઇ રહેલા સ્કૂલના ટ્રસ્ટી અને તેમની શિક્ષિકા પત્નીને અડેફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે તેમના પતિને ઇજા થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકના ટાયરમાં ફસાઇને શિક્ષિકા ૧પ ફૂટ સુધી ઘસડાતાં માથું છુંદાઇ ગયું હતું. અકસ્માત બાદ પુરઝડપે ફરાર થઇ રહેલા ટ્રકચાલકે પકડાઇ જવાના ડરથી ત્રણથી ચાર વાહનોને અડફેટમાં લીધાં હતાં. લોકોએ શાહીબાગ સિવિલ હોસ્પિટલ પાસેથી તેને પકડી પાડ્યો હતો.

મણિનગરમાં ઘોડાસર રોડ પરની શંકરનગર સોસાયટીમાં રહેતા અને ગોમતીપુરની એસ.જી.શાળાના ટ્રસ્ટી 65 વર્ષીય નવીનચંદ્ર બચુભાઇ પટેલ અને તેમની પ૬ વર્ષીય પત્ની બીનાબહેન પટેલને આજે વહેલી સવારે સ્કૂલમાં મૂકવા માટે એ‌િકટવા લઇને જઇ રહ્યા હતા. બીનાબહેન સુખરામનગરની સ્વા‌િમનારાયણ સ્કૂલમાં અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સુખરામનગરથી પુરઝડપે પસાર થઇ રહેલ ટ્રકચાલકે એ‌િકટવાને ટક્કર મારતાંં વૃદ્ધ દંપતી રોડ પર પટકાયાં હતાં.

આ અકસ્માતથી રોડ પર ભયાવહ દૃશ્યો સર્જાયાં હતાં. ટ્રક એ હદે સ્પીડમાં હતી કે ટ્રકના ટાયર નીચે આવી જતાં બીનાબહેન પટેલ 15 ફૂટ સુધી ઘસડાતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સનસનાટી ફેલાવનારી ઘટનામાં સ્થાનિકો રોડ પર આવી ગયા હતા. અકસ્માત કરીને ફરાર થઇ ગયેલ ટ્રકનો પીછો કર્યો હતો અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી, જ્યાં નવીનચંદ્ર પટેલને પ્રાથમિક સારવાર આપી હતી.

ટ્રાફિક આઇ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. પંડ્યાએ જણાવ્યું છે કે પંજાબ પા‌િસંગની ટ્રકના ચાલકે અમરાઇવાડી વિસ્તારમાં આવેલ સુખરામનગરમાં વૃદ્ધ દંપતીને અડફેટમાં લીધા બાદ સિવિલ તરફ ટ્રકને ભગાવી હતી. લોકોનાં ટોળાં તેનો પીછો કર્યો હતો, જેમાં ટ્રકચાલકે પકડાઇ જવાની બીકથી પુરઝડપે હંકારી રસ્તામાં ત્રણથી ચાર વાહનોને અડફેટમાં લીધા હતા. જોકે લોકોનાં ટોળાંઓએ સિવિલ પાસેથી ટ્રકને પકડી પાડી હતી અને ટ્રકચાલકને મેથીપાક ચખાડ્યો હતો. શાહીબાગ પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રકને કબજે કરી છે ત્યારે આઇ ડિવિઝન પોલીસે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like