હિટ એન્ડ રનઃ મહિલાના મૃતદેહ પરથી રાતભર વાહનો પસાર થતાં અરેરાટી

અમદાવાદ: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર છાણી નજીક જીએનએફસીના ગેટ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક અજાણી મહિલાનું મોત થયું હતું. મહિલાનું મોત થયા બાદ લાશ કલાકો સુધી રોડ પર પડી રહેતાં કેટલાંક વાહનો રાતભર મહિલાના મૃતદેહ પરથી પસાર થતાં મૃતદેહ વિકૃત થઈ જતાં અરેરાટીની લાગણી પ્રસરી હતી.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર છાણી નજીક જીએનએફસીના ગેટ પાસે અાવેલા બ્રિજ પર મોડી રાતે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી ૩૫ વર્ષની એક મહિલાનું મોત થયું હતું. મહિલાનું મોત થયા બાદ તેનો મૃતદેહ રોડ પર પડી રહ્યો હતો. અા રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને રાત્રીના કારણે મૃતદેહ ન દેખાતાં અનેક વાહનો તેના પરથી પસાર થઈ જતાં મૃતદેહ ચુંથાઈ ગયો હતો. કોઈ રાહદારીએ અા અંગે ૧૦૮ને જાણ કરતાં મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. મરનાર મહિલાની હજુ સુધી ઓળખવિધિ થઈ શકી નથી.

અા ઉપરાંત અમદાવાદ-ખેડા હાઈવે પર બેડ ડિલાટ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એક મહિલાનું મોત થયું હતું. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મોહમ્મદભાઈ શેખ તેમના પરિવાર સાથે અાણંદથી રાત્રીના સમયે કારમાં પરત અાવતા હતા ત્યારે અા ઘટના બની હતી. ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો અને કારમાં બેઠેલ એક મહિલાનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું જ્યારે છ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like