ધોળકા-બાવળા રોડ પર રાત્રે હિટ એન્ડ રનઃ પત્નીનું મોત, પતિને ઈજા

અમદાવાદ: બાવળા-ધોળકા રોડ પર મોડી રાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી જેમાં અજાણ્યા વાહને બાઈકસવાર દંપતીને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં પત્નીનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પતિને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી નાસી છૂટેલા વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ધોળકાના રહીશ નાથુભાઈ માળી તેમની પત્ની લલિતાબહેનને બાઈક પર બેસાડી ગઈ રાતે બાવળા-ધોળકા રોડ પર જોગણી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે અાવેલા અજાણ્યા વાહને બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા અા દંપતી રોડ પર ફંગોળાઈ ગયું હતું. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે લલિતાબહેનનું મોત થયું હતું જ્યારે નાથુભાઈને ઈજાઓ પહોંચતાં તેમને ધોળકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. અકસ્માત બાદ વાહનચાલક ધોળકા તરફ નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે.

અા ઉપરાંત ભરૂચના તવરા ગામે રહેતી કમલાબહેન વસાવા નામની યુવતી બાઈક પર તેના પતિ સાથે કપલસાડી ગામે રહેતા તેના ભાઈઓને ગઈકાલે રાખડી બાંધવા જઈ રહી હતી ત્યારે મુલંદ ચાર રસ્તા પાસે ટેન્કરે બાઈકને અડફેટે લેતાં કમલાબહેનનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અા અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી અાગળની તપાસ શરૂ કરી છે.

You might also like