નરોડામાં મોડીરાતે હિટ એન્ડ રનનો બનાવઃ પત્નીનું મોત, પતિ ઘાયલ

અમદાવાદ: શહેરમાં વાહન અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે તેમાંય શહેરના ફરતે આવેલા હાઇવે પર તો દર એકાદ બે દિવસે અકસ્માતના કારણે લોકો પોતાનો જીવ ગુમાવે છે. ગઇ કાલે મોડી રાતે નરોડા વિસ્તારમાં પુરઝડપે પસાર થતી એક કારના કારણે એક મહિના પહેલાં થયેલાં લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે. પતિ-પત્ની ટીવીએસ વિક્ટર પર પોતાના ઘરે જતાં હતાં ત્યારે કાર ચાલકે તેમને હડફેટમાં લઇને હિટ એન્ડ રનની ઘટના સર્જી હતી. આ ઘટનામાં પત્નીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે પતિને સામાન્ય ઇજા પહોંચી હતી.

સરદારનગર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં રહેતા અને નરોડા જીઆઇડીસીમાં નોકરી કરતા બાબુભાઇ હીરાભાઇ કલાસવાના એક મહિના પહેલાં જયાબહેન સાથે લગ્ન થયાં હતાં. ગઇ કાલે બાબુભાઇ પત્ની સાથે ટીવીએસ વિકટર લઇને મેમનગર ખાતે સાળા સંજયભાઇને મળવા માટે આવ્યા હતા. સાળાને મળીને બંને જણા ઘર તરફ જતાં હતાં ત્યારે રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે પુરઝડપે આવતી એક ગાડીએ ટીવીએસ વિક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આથી દંપતી જમીન પર પટકાતાં જયાબહેનના પગ પર કારનું ટાયર ફરી વળ્યું હતું. અકસ્માત કરીને કારચાલક ફરાર થઇ ગયો હતા ત્યારે બંને જણાને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના જોઇ રહેલા સ્થાનિકો તાત્કાલીક દોડીને આવ્યા હતા અને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. 108 ઘટના સ્થળે પહોંચતાં જયાબહેનને મૃત જાહેર કર્યાં હતાં. નરોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને જયાબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

http://sambhaavnews.com/

You might also like