રાજકોટમાં અાજી ડેમ ઓવરબ્રિજ નજીક હિટ અેન્ડ રનઃ ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

અમદાવાદ: રાજકોટમાં અાજી ડેમ ઓવરબ્રિજ નજીક મોડી રાતે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ભાઈ-બહેન સહિત ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.  અા અંગેની વિગત એ‍વી છે કે રાજકોટમાં જંગલેશ્વર વેલનાથચોક ખાતે રહેતો મયૂર સરવૈયા નામનો યુવાન તેની બહેન સંજના સરવૈયા તથા તેની બહેનપણી અારતી સંતોકિયાને બાઈક પર બેસાડી નવરાત્રિના ગરબા જોવા નીકળ્યો હતો. ગરબા જોઈ અા ત્રણેય બાઈક પર યાર્ડ નજીક નાસ્તો કરવા ગયાં હતાં. નાસ્તો કરી પરત ફરી રહ્યાં હતાં ત્યારે અાજી ડેમ ઓવરબ્રિજ પાસે કોઈ અજાણ્યા વાહને બાઈકને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતાં મયૂર, સંજના અને અારતી ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

અા ઘટનાના પગલે મોડી રાત હોવા છતાં રોડ ઉપર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. પોલીસે તાત્કાલિક પહોંચી જઈ ત્રણેય લાશને પીએમ માટે મોકલી અાપી હતી અને અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like