એસ.પી.રિંગ રોડ પર હિટ એન્ડ રનઃ ધો.૧૦ના વિદ્યાર્થીનું મોત

અમદાવાદ: શહેરના ફરતે આવેલા એસ.પી.રિંગ રોડ પર દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રિંગ રોડ રેસિંગ કારનું મેદાન હોય તેમ લોકો બેફામ રીતે વાહનો ચલાવતાં હોય છે. જેના કારણે સંખ્યાબંધ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. મોડી રાત્રે નરોડા નજીક આવેલા રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. પુરઝડપે પસાર થઇ રહેલી કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર જતા ધો.૧૦નાે વિદ્યાર્થી અને યુવક પટકાયા હતા. વિદ્યાર્થીનું મોત થયું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત એવી છે કે અમદાવાદ જિલ્લાના રણાસણ ગામમાં રહેતો ૧૭ વર્ષના હરેશ દીપસિંહ ઝાલાએ માર્ચ મહિનામાં ધો.૧૦ની પરીક્ષા આપી હતી. વેકેશન હોવાથી ગઇ કાલે મોડી રાત્રે હરેશ અને તેનો મિત્ર દશરથ ઠાકોર બાઇક લઇને નરોડા નજીક આવેલા એસ.પી.રિંગ રોડ પાસે ચા પીવા માટે નીકળ્યા હતા. ર૪ કલાક ભારે વાહનો અને કારની અવરજવરથી ધમધમતા રિંગ રોડ પર પુરઝડપે પસાર થઇ રહેલી એક કાર ચાલક હરેશની બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો.

કારની ટક્કર વાગતાંની સાથે હરેશ અને દશરથ હવામાં ફંગોળાઇને જમીન પર પટકાયા હતા. આ ઘટના જોતાંની સાથે લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બંનેને 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ હરેશને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનામાં નરોડા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે ચાર દિવસ પહેલાં હાથીજણ- મહેમદાવાદ હાઇવે પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મામી-ભાણીનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં.
http://sambhaavnews.com/

You might also like