બદરખા-સરખેજ રોડ પર હિટ એન્ડ રન: પોલીસ કર્મચારીનું મોત

અમદાવાદ: ધોળકા રોડ પર આવેલાં દસ્ક્રોઈ તાલુકાના ભાત ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મોડી રાતે સાસરીમાંથી બાઈક લઈને પરત ફરતા હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે તેમનું મોત નીપજ્યું છે. અસલાલી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સરખેજ ગામમાં ગાયત્રી સોસાયટી પાસે આવેલા રોહિત વાસમાં હીરાભાઈ બીજલભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. હીરાભાઈ શાહીબાગ હેડક્વાટરમાં પી-2 કંપનીમાં ફરજ બજાવતા હતા. શનિવારે તેઓ તેમના સાસરી કાવિઠા ગામે ગયા હતા. રાતે આઠેક વાગ્યાના સુમારે તેઓ બાઈક લઇ અને ઘરે પરત આવવા નીકળ્યા હતા. દરમ્યાનમાં દસ્ક્રોઈ તાલુકાના ભાત ગામ નજીક કોઈ અજાણ્યા વાહને તેમનાં બાઇકને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં તેઓ નીચે પટકાયા હતા.

108 મારફતે વી.એસ.હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરે તેઓને મૃત જાહેર કરાયા હતા. પ્રવીણભાઈની ફરિયાદના આધારે અસલાલી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like