વૈષ્ણોદેવી સર્કલ પાસે હિટ એન્ડ રનઃ માતાનું મોતઃ પુત્રીનો આબાદ બચાવ

અમદાવાદ: શહેરના એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક રોડ ક્રોસ કરી રહેલી મહિલાને અજાણ્યા ટુ‌-વ્હીલર ચાલકે અડફેટે લેતાંંં તેનું મોત નીપજ્યું હતું. રોડ ક્રોસ કરતી વખતે તેઓની પાંચ વર્ષની પુત્રી હાથમાં હતી, પરંતુ અકસ્માત થતાં તે હાથમાંથી પડી ગઇ હતી અને અન્ય મહિલાઓએ તેને પકડી લેતાં તેનો જીવ બચી ગયો હતો. અડાલજ પોલીસે અજાણ્યા ટુ-વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સરસપુર વિસ્તારમાં આવેલી ગોપાલ ગંગારામની ચાલીમાં મંજુલાબહેન કનુભાઇ મકવાણા (ઉં.વ.૪પ) રહે છે. તેમની ચાલીમાં જ હસુમતીબહેન જિતેન્દ્રભાઇ સોલંકી તેમના પતિ, પુત્ર અને પાંચ વર્ષની પુત્રી સાથે રહેતાં હતાં. દિવાળીના તહેવારની રજાઓ હોઇ મંજુલાબહેન, હસુમતીબહેન અને અન્ય એક મહિલાએ તેમના બાળકો સાથે શહેરના ઇસ્કોન મંદિર અને વૈષ્ણોદેવી મંદિરે જવાનું નક્કી કર્યું હતું.

મંગળવારે બપોરે તેઓ ઇસ્કોન મંદિરે દર્શન કરી બસમાં વૈષ્ણોદેવી મંદિર જવા નીકળ્યાં હતાં. સાડા ચાર વાગ્યાની આસપાસ વૈષ્ણોદેવી મંદિર પહોંચતાં તેઓ રોડ ક્રોસ કરી મંદિર તરફ જઇ રહ્યા હતા ત્યારે ગાંધીનગર તરફથી પૂરપાટ ઝડપે એક ટુ વ્હીલર ચાલક આવ્યો હતો અને હસુમતીબહેનને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ હસુમતીબહેનના હાથમાં રહેલી તેમની પુત્રી છટકી ગઇ હતી અને રોડ પર પટકાઇ હતી. પાછળ આવતાં મંજુલાબહેને તેને પકડી લીધી હતી.

રોડ પર પટકાતાં જ હસુમતીબહેનને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને સારવાર માટે પ્રથમ સોલા સિવિલ અને બાદમાં અસારવા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ગઇ કાલે સાંજે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ટુ‌ વ્હીલર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

You might also like