ચાંદખેડા અને સાબરમતીમાં હિટ એન્ડ રનઃ બેનાં મોત

ચાંદખેડા અને સાબરમતી વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રનના બનાવમાં એક વૃદ્ધ સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલ ગાયત્રીનગર ખાતે રહેતા ધર્મેન્દ્રસિંહ મહેતાલસિંહ ચંપાવત (ઉ.વ.૪પ) બપોરના એક વાગ્યાના સુમારે ઓએનજીસીના ગેટ પાસેના રોડ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા કારચાલકે તેમને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં ગંભીર ઇજા થવાના કારણે ધર્મેન્દ્રસિંહનું મોત થયું હતું.

આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ આશ્રય રેસિડન્સી ખાતે રહેતા શાલીગ્રામભાઇ અહેરવાલ નામના ૮ર વર્ષીય આધેડ સાબરમતી પાવર હાઉસ નજીક આવેલા સીમંધર ફલેટ પાસે સાંજે ૭ વાગ્યાના સુમારે ઊભા હતા ત્યારે કોઇ કારચાલકે તેમને ટક્કર મારતાં તેમનું પણ ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની સઘન શોધખોળ હાથ ધરી છે.

You might also like