હિટ એન્ડ રનમાં હાજર થયેલા ડ્રાઇવરની ધરપકડ કરવા પોલીસનો ઇનકાર

અમદાવાદ: શહેરના એસજી હાઈવે પર વાઈડ એંગલ સિનેમા પાસેથી નીકળતા સર્વિસ રોડે એક્ટિવા પર જતી બે યુવતીને પૂરઝડપે આવી રહેલી આઇ-20 કારના ચાલકે ટક્કર મારીને ફરાર થઇ જવાના કિસ્સામાં ગઇ કાલે ડ્રાઇવર ટ્રાફિક પોલીસમાં હાજર થઇ ગયો હતો. જોકે ટ્રાફિક પોલીસના એસીપીએ ડ્રાઇવરની ધરપકડ કરવાનો ઇનકાર કરી દીધો હતો. કાર કોણ ચલાવતું હતું તે શોધવા માટે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફુટેજ એફએસએલમાં મોકલી આપ્યા છે ત્યારે ત્રણ વ્યકિતઓના કોલની ડિટેઇલ અને લોકેશન મગાવીને તપાસ શરૂ કરી છે.

સત્યાગ્રહ છાવણી ખાતે રહેતી ફ્રેની અજયભાઈ પાલા અને મણિનગર સ્મૃતિ મંદિર પાસે રહેતી માનસી વેકરિયા મંગળવારે કોલેજમાં પરીક્ષા આપ્યા બાદ સાંજે ચાર વાગે વાઈડ એંગલ પાસેનો રોડ ક્રોસ કરવા જતાં હતાં ત્યારે પૂર ઝડપે આવતી સફેદ આઇ-20 કારે જોરદાર ટક્કર મારી હતી. બંને વિદ્યાર્થિની આ અકસ્માતને પગલે હવામાં ફંગોળાઈ હતી અને એક્ટિવા ૨૦ ફૂટ દૂર ફેકાયું હતું. બંનેને બેઠો માર વાગવા ઉપરાંત પગમાં ફ્રેકચર અને માથાના ભાગે ઈજાઓ થતાં શેલ્બી હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડાયાં હતાં.

અકસ્માત બાદ વિદ્યાર્થિનીઓના પરિવારે ફરિયાદ ન કરતા પોલીસે જાતે ફરિયાદ નોંધી હતી. સીસીટીવી ફૂટેજના આધારે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે કારના નંબર પરથી વકીલ આલોક ઠક્કરની કાર હોવાનું સામે આવ્યું હતુું જોકે આલોકે તેમના સાળા જયેન્દ્ર ઉર્ફે જયેશને કાર ચલાવવા આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જ્યારે પોલીસે જયેન્દ્રભાઇની પૂછપરછ કરતાં કાર તેમનો ડ્રાઇવર અક્ષય સોની લઇ ગયાનું કહ્યું હતું અને પોલીસને ભરોસો આપવવા માટે તેમની ઓફિસના સીસીટીવી ફુટેજ પણ તપાસ કરવાનું જણાવ્યું હતું.

ટ્રાફિકના એસીપી એસ.ડી.પટેલે જણાવ્યું છે કે ગઇકાલે જયેન્દ્ર તથા અલોક ડ્રાઇવર અક્ષય સોનીને લઇને પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જોકે અક્ષયની ધરપકડ કરવા માટે અમે ઇનકાર કરી દીધો હતો. તો જયેન્દ્રની ઓફિસના સીસીટીવી ફુટેજ લેવવાનો ઇનકાર કરી દીધો હતો.

આ કેસમાં કાર અક્ષય નહી પંરતુ કોઇ અન્ય વ્યકિત ચલાવતું હોવાની પોલીસને શંકા છે. જેના કારણે પોલીસે અાલોક, જયેન્દ્ર તથા અક્ષયના કોલ ડિટેઇલની વિગતો તથા તેમનાં ટાવર લોકેશન મગાવ્યાં છે. આ સિવાય કાર કોણ ચલાવતું હતું તે તપાસ કરવા માટે સીસીટીવી ફુટેજને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે અને કારની સ્પીડ કેટલી હતી તે  માટે સ્પીડ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. તમામ પુરાવા મળી ગયા પછી ખરેખર આરોપી કોણ છે તે જાણીને અમે તેની ધરપકડ કરીશું.

You might also like